ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

એક તરફ વિદેશી રોકાણ ને હજારો નોકરીઓની વાતો ને બીજી બાજુ સરકારી પોર્ટલ પર બેરોજગારોની સંખ્યા તો જૂઓ?

મુંબઇઃ તાજેતરમાં જ પુણેમાં IT વિભાગમાં નોકરી મેળવવા માટે યુવાનોની લાંબી લાંબી લાઇન જોવા મળ્યા બાદ રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઇ છે. દરમિયાન સરકારી પોર્ટલ પર નોકરી મેળવવા માટે આવેલી અરજીઓનો ડેટા સામે આવ્યો છે, જે જોતા એમ લાગે છે કે મહારાષ્ટ્રમાં ભારે બેરોજગારી છે.

સરકારી પોર્ટલ પરની અરજી પરથી જાણવા મળ્યું છે કે એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં દેશમાં રોજગાર માટે 2,39,00,000 લોકોએ અરજી કરી છે. એકલા મહારાષ્ટ્રમાંથી જ 19.04 લાખ લોકોએ નોકરી મેળવવા માટે અરજી કરી છે. ડિસેમ્બર 2024ના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં સરકારી પોર્ટલ પર અરજી કરી નોકરી મેળવવા ઇચ્છતા લોકોની સંખ્યા વધીને 24.51 લાખ થઇ ગઇ છે.

નોકરી માટેના પોર્ટલ પર નોંધણી કરાવનારાઓની શૈક્ષણિક લાયકાતઃ-
નોકરી માટે નોંધાયેલા લોકોમાં નવમુ ધોરણ સુધી ભણેલાઓની સંખ્યા 12,63,878 છે. દસમુ ધોરણ પાસ કરેલા લોકોની સંખ્યા 4,63,302, બારમુ ધોરણ સુધી ભણેલાઓની સંખ્યા 4,58,605, ગ્રેજ્યુએટ્સની સંખ્યા 2,31,443 અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સની સંખ્યા 38,507, દસમા ધોરણ બાદ ડિપ્લોમા કોર્સ કરનારાઓની સંખ્યા 38,280, ITI થયેલાઓની સંખ્યા 3,848 અને પીએચડી થયેલાઓની સંખ્યા 177 છે.

જોકે, સરકારી પોર્ટલ પર એમ્પ્લોયરો પણ યોગ્ય કર્મચારી મેળવવા માટે અરજી કરતા હોય છે. મહારાષ્ટ્રમાં નોકરી માટેના પોર્ટલ પર એમ્પ્લોયરો પણ ઘણા નોંધાયા છે, જેઓએ 14 લાખ નોકરી માટે અરજી નોંધાવી છે. રાજ્યમાં નોકરી આપતી કંપનીઓ, વ્યવસાયો, નાના નાના સાહસો પણ આ પોર્ટલ પર નોંધણી કરાવે છે. તેમ છતાં હજુ પણ રાજ્યમાં 24.51 લાખ લોકો બેરોજગાર છે.

અત્યાર સુધી IT (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) વિભાગની ઘણી બોલબાલા હતી. માતાપિતા પણ ITનું મહત્વ સમજીને તેમના બાળકોને IT ગ્રેજ્યુએટ્સની લાઇનમાં ભણવા મૂકતા હતા અને આઇટી પ્રોફેશનલ્સ બનાવતા હતા. વિદેશમાં પણ IT ગ્રેજ્યુએટ્સની ભારે ડિમાન્ડ હતી, પણ આ બધું હવે ખતમ થઇ ગયું છે. ITનો ફુગ્ગો ફૂટી ગયો છે. AIના આવિષ્કાર સાથે IT વિભાગની નોકરીઓ પર તાળા લાગી ગયા છે. નવી નોકરી તો છોડો, ઑફિસોમાંથી IT પ્રોફેશનલ્સને દૂર કરવામાં આવી રહ્યા છે. એવામાં માહિતી મળી છે કે મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ લોકોએ IT વિભાગની નોકરીઓ મેળવવા માટે સરકારી પોર્ટલ પર અરજી કરી છે.

આ પણ વાંચો…Budget FY 2025-26: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે રાહત! આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી…

આ ડેટા જોતા એમ લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રના માથે બેરોજગારીનું સંકટ તોળાઇ રહ્યું છે અને સરકારે આ મામલે તુરંત પગલા ભરવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button