… તો શું ‘ક્વીન ઓફ તાડોબા’ માયાનું મૃત્યુ થયું? 30મી નવેમ્બરના ઉઠશે રહસ્ય પરથી પડદો
નાગપુરઃ ભારતની સૌથી પ્રસિદ્ધ અને કચકડે કંડારાયેલી વાઘણ માયાનું મૃત્યુ થઈ ગયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. માયા કે જેને વન વિભાગના લોકો T-12ના નામે પણ ઓળખે છે એ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સમાં ક્વીન ઓફ તાડોબાના નામે પણ ઓળખાય છે. માયાનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હોવાની પ્રાથમિક માહિતી મહારાષ્ટ્રના વનવિભાગ દ્વારા આપવામાં આવી છે.
ડિસેમ્બર, 2010માં માયાનો જન્મ થયો હતો અને તેની માતા લીલા નામની વાઘણ હતી જ્યારે પિતા હિલટોપ નામનો વાઘ હોવાનું કહેવાય છે. માયાએ 2014,2015,2017,2020 અને 2022માં એક પાંચ વખતમાં કુલ 13 બચ્ચાને જન્મ આપ્યો છે. 2014થી માયાએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સને પોતાની માયા લગાડી દીધી હતી.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લી વખત વનવિભાગના કર્મચારીઓએ પેટ્રોલિંગ કરતી વખતે તાડોબા લેકની નજીક આવેલા પંચધારા વિસ્તારમાં માયાને જોઈ હતી. તાડોબા અંધારી ટાઈગર રિઝર્વના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર ડો. જિતેન્દ્ર રામગાંવકરે માયાની ભાળ કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 18મી નવેમ્બર, 2023ના સર્ચ ટીમને વાઘના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને ડીએનએ ટેસ્ટ માટે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે ત્યાર બાદ જ કોઈ ચોક્કસ તારણ પણ પહોંચી શકાશે. નિષ્ણાતો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અવશેષો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે એટલે પોસ્ટમોર્ટમ શક્ય નથી. આ ઉપરાંત જે સ્થળેથી આ અવશેષો મળી આવ્યા છે ત્યાં માનવ હસ્તક્ષેપ નહીંવત જેવો જ છે એટલે આ વાઘનું મૃત્યુ કુદરતી કારણોસર જ થયું હશે. બાકીના સેમ્પલ વધુ તપાસ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યા છે અને એનો રિપોર્ટ 30મી નવેમ્બરના આવશે. ત્યાર બાદ જ કંઈ પણ કહી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માયાના વિસ્તારમાં આઠમી ઓક્ટોબર, 2023થી દસથી વધુ અલગ અલગ વાઘ જેમાં છ ફિમેલ અને સાત મેલ ટાઈગર્સ જોવા મળ્યા છે. આ વાઘમાં T-07, T-114, T-115, T-158, T-16, T-120, T-138, T-164, T-168, T-181 અને T-100નો સમાવેશ થાય છે પણ આ બધા વચ્ચે T-12 એટલે કે માયા લાંબા સમયથી મિસિંગ હતી. માયાના ગુમ થવાને કારણે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સમાં નિરાશા અને ચિંતા જોવા મળી રહી હતી.