વાઈલ્ડ લાઈફ બોર્ડે અરજી ફગાવી દીધી તેમ છતાં વન પ્રધાને ફરી તાડોબા ટાઈગર રિઝર્વ પાસે એરપોર્ટ બનાવવા દબાણ કર્યું….
મુંબઈ: ચંદ્રપુર જિલ્લામાં લોકપ્રિય તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ છે. જે મધ્ય ભારતના વાઘ કોરિડોરનો એક ભાગ છે, થોડા મહિના પહેલા જ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL)એ ચંદ્રપુર નજીક એરપોર્ટ બનાવવાની રાજ્યના વન પ્રધાનની દરખાસ્તને ફગાવી દીધી હતી કારણ કે તે તાડોબાની આસપાસના વાઘના રહેણાંક વિસ્તારને અસર કરી શકે છે. જો કે પ્રધાન ચંદ્રપુરના સુધીર મુનગંટીવારે રાજ્ય વન્યજીવ બોર્ડને એરપોર્ટની દરખાસ્ત ફરીથી સબમિટ કરવા કહ્યું છે. અને તેમનો દાવો કર્યો હતો કે એરપોર્ટ બનાવાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે. કારણકે સૌથી નજીકનું નાગપુર એરપોર્ટ ચંદ્રપુરથી લગભગ બે કલાકના અંતરે છે.
NBWLએ આ વર્ષે સપ્ટેમ્બરમાં આ એરપોર્ટ બનાવવાની અરજીને એમ કહીને ફગાવી દીઘી હતી કે આ તમામ વિસ્તાર વલ્યજીવો માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ અહીં ટાઇગર રિઝર્વ પણ છે અને એરપોર્ટના કારણે ટાઈગર રિઝર્વના વિસ્તારને સૌથી વધારે અસર થાય છે. આથી વિસ્તારના વન્યજીવન મૂલ્ય અને તેને જોડતા વાઘ કોરિડોરને ધ્યાનમાં રાખીને, સૂચિત સ્થળ બાંધકામ કરવા દેવામાં આવશે નહીં. NBWLના આ નિવેદન બાદ પણ મુનગંટીવાર ફરીથી નવા એરપોર્ટના નિર્માણ માટે દબાણ કરી રહ્યા છે.
અને નવા એરપોર્ટ માટે જંગલની વિશાળ જમીનનો જ ઉપયોગ કરવો પડશે. એરપોર્ટ માટે સૂચિત વિસ્તાર 63,540 હેક્ટર છે, જેમાંથી 25.27 હેક્ટર સંરક્ષિત વન જમીન છે અને 38.27 હેક્ટર આરક્ષિત વન જમીન છે. બાંધકામ માટે વિસ્તારમાં 3,392 વૃક્ષો કાપવાની પણ જરૂર પડી શકે છે.
આ વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SBWL)ની બેઠકમાં એરપોર્ટ મુદ્દે ફરી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે એરપોર્ટની અરજી ફગાવી દેવામાં આવી છે પરંતુ મુનગંટીવારે જણાવ્યું હતું કે અરજી સ્થાયી સમિતિને પુનર્વિચાર માટે મોકલવામાં આવી છે. મુનગંટીવારે એમ પણ જણાવ્યું હતું કે અમે જંગલની જમીન સિવાય બીજી ત્રણ જગ્યાઓએ જમીન જોઇ પરંતુ પાવર લાઇન, ચીમની અને ટેકરીઓ જેવા અવરોધોને કારણે એરપોર્ટ માટે તે યોગ્ય જગ્યા નથી. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે અમે ફરીથી કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. જો તેને નકારી કાઢવામાં આવશે તો ચંદ્રપુરના લોકો ચંદ્રપુર ડેવલપમેન્ટ ગ્રુપના હેઠળ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવે છે.