ઝઘડામાં વચ્ચે પડેલા પોલીસ પર કોયતાથી હુમલો કરનારા પકડાયા

પુણે: પુણેમાં ઝઘડામાં વચ્ચે પડેલા પોલીસકર્મી પર કોયતાથી હુમલો હુમલો કરીને ફરાર થયેલા બે રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે સોલાપુરથી પકડી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ નિહાલસિંહ મન્નુસિંહ ટાક (18) અને રાહુલસિંહ ઉર્ફે રાહુલ્યા રવીન્દ્રસિંહ ભોંડ (19) તરીકે થઇ હોઇ બંને જણ હડપસર વિસ્તારના રહેવાસી છે.
હડપસરના સસાણે નગર વિસ્તારમાં રવિવારે બપોરે બે બાઇકસવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એ સમયે બંને આરોપી ત્યાં આવ્યા હતા અને તેમના હાથમાં કોયતા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રત્નદીપ ગાયકવાડની નજર આરોપીઓ પર પડી હતી. ગાયકવાડે ઝઘડો છોડાવવા મધ્યસ્થી કરી હતી અને આરોપી નિહાલસિંહ ટાકના હાથમાંથી કોયતો લઇ લેવાનો પ્રયાસ કર્યો હતો. આથી આરોપીએ કોયતાથી ગાયકવાડ પર હુમલો કર્યો હતો, જેમાં તેના માથામાં ઇજા થઇ હતી. હુમલા બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓની શોધ આદરી હતી અને સોલાપુરથી બંને આરોપીને પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો : પુણેમાં વિરોધ પ્રદર્શનઃ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ ૩૦૦ સામે ગુનો નોંધાયો
દરમિયાન પોલીસ કર્મચારી પર હુમલાને પગલે શરદ પવાર જૂથના કાર્યકરોએ સોમવારે રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના પુણે શહેર એકમના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.