મહારાષ્ટ્ર

સુળેએ ફડણવીસને મહાદેવ મુંડે હત્યાની તપાસ માટે સીબીઆઈ અથવા એસઆઈટીને સોંપવા વિનંતી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સીબીઆઈ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની મદદ લઈને મહાદેવ મુંડે હત્યાકેસની તપાસ ઝડપી બનાવવાની વિનંતી કરી હતી.

મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં, બારામતીના સાંસદે જણાવ્યું હતું કે બીડ જિલ્લાના પરલીના રહેવાસી મુંડેનું 19 ઓક્ટોબર, 2023ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું, અને તે જ વર્ષે 22 ઓક્ટોબરના રોજ તેમની હત્યાની પુષ્ટિ થઈ હતી. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ગુના પાછળના લોકો હજુ સુધી પકડાયા નથી.

આ પણ વાંચો: મહાદેવ મુંડે હત્યા કેસમાં આરોપીઓની 15 દિવસમાં ધરપકડ થવી જોઈએ: ભાજપના વિધાનસભ્ય

‘આટલા વિલંબથી મુંડેના પરિવારને દુ:ખ થયું છે અને તપાસની અસરકારકતા અંગે ચિંતા ઉભી થઈ છે,’ એમ એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષે કહ્યું હતું.

તેમણે વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી અને વિનંતી કરી કે આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અથવા એસઆઈટીને સોંપવામાં આવે.

તેમણે મુંડેના પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપો પર પણ પ્રકાશ પાડ્યો કે પ્રભાવશાળી વ્યક્તિઓ ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઉભો થઈ રહ્યો છે અને આ કેસને આગળ વધારવા બદલ તેમને ધમકીઓ મળી છે..

આ પણ વાંચો: બીડ જિલ્લાના સરપંચની હત્યા પ્રકરણ સુરેશ ધસે ફરી આક્રમક

સુળેના પત્ર મુજબ 10 જાન્યુઆરી, 2024ના રોજ મુંડેના પરિવારને અજાણ્યા વ્યક્તિઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. સુળેએ સરકારને આ ધમકીઓની તપાસ કરવા અને કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

સાંસદે એમ પણ કહ્યું હતું કે જનતાનો વિશ્ર્વાસ જાળવી રાખવા અને ‘મહારાષ્ટ્રની પ્રતિષ્ઠા બચાવવા’ માટે કેસની તપાસ આવશ્યક છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં બીડ જિલ્લો મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ ચર્ચામાં રહ્યો છે.
9 ડિસેમ્બર, 2024 ના રોજ સંતોષ દેશમુખનું અપહરણ અને હત્યા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સહાયક વાલ્મિક કરાડની સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં ધરપકડ થયા બાદ વિપક્ષ તેમના પર નિશાન સાધી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button