મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર યુગનો પ્રારંભ: અજિત પવારની ખાસ શૈલીમાં લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે સુનેત્રા પવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદ તરીકે પદના શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈ ખાતે આવેલા રાજભવનમાં યોજાયેલા આ સમારોહમાં દરબાર હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જોકે, આ શપથ લેતી વખતે સુનેત્રા પવારે કંઈક એવું કર્યું હતું કે લોકોને દિવંગત અજિત પવારની યાદ આવી ગઈ હતી. સુનેત્રા પવારના આ શબ્દોએ આખા મહારાષ્ટ્રનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
સુનેત્રા પવારે શપથ લેતી વખતે કહેલાં કેટલાક ખાસ શબ્દોએ આખા મહારાષ્ટ્રનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. શપથ ગ્રહણ કરતી વખતે સુનેત્રા પવારે ‘ઈશ્વરની સાક્ષીએ શપથ લઉં છું’ ને બદલે અજિત પવારની શૈલીમાં ‘ગાંભીર્યપૂર્વક શપથ લઉં છું’ તેમ કહીને સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હતું. આ શપથવિધિ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ શપથવિધિ સમારોહ સાથે જ સુનેત્રા પવાર મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેતા શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં પીએમ મોદીજીએ લખ્યું હતું કે મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યની જનતાના કલ્યાણ માટે અથાક પરિશ્રમ કરશે અને દિવંગત અજિતદાદા પવારના સપનાંને સાકાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શપથવિધિ પહેલાં જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સુનેત્રા પવારની રાષ્ટ્રવાદી વિધાયક દળના નેતા તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી પક્ષના નેતાઓએ વરણીનું પત્ર મુખ્ય પ્રધાન નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપ્યું હતું, ત્યારબાદ તેમણે રાજ્યપાલને શપથવિધિ માટે ભલામણ પત્ર આપ્યું હતું.



