કુણાલ કામરાના શોમાં હાજર રહેલા નવી મુંબઈના બૅન્કરને સમન્સ

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કથિત વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધી કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા પછી પોલીસે એ વિવાદાસ્પદ શોમાં હાજર રહેનારા બૅન્કરને સાક્ષી તરીકે સમન્સ મોકલાવ્યા હતા.
જોકે પોલીસે પછીથી કહ્યું હતું કે નવી મુંબઈના એ બૅન્કરે તાત્કાલિક હાજર રહેવાની જરૂર નથી. બાદમાં કામરાએ બૅન્કરને ભોગવવી પડેલી મુશ્કેલી માટે સોશિયલ મીડિયા પર ખેદ વ્યક્ત કરીને ‘ભારતમાં ગમે ત્યાં આગામી વૅકેશન નક્કી કરવાની’ ઑફર કરી હતી.
કામરાએ એક મીડિયા રિપોર્ટને શૅર કરતાં કહ્યું હતું કે પોલીસના સમન્સને કારણે બૅન્કરે તેનું વૅકેશન ટૂંકાવી નાખવું પડ્યું હતું.
દરમિયાન કુણાલ કામરાના શોમાં હાજર રહેલા પ્રેક્ષકોને તેમનાં નિવેદન નોંધાવવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હોવાના અહેવાલને મંગળવારે રદિયો આપ્યો હતો.
આ પણ વાંચો: કુણાલ કામરાની મુશ્કેલીમાં વધારો, મુંબઈ પોલીસે ત્રીજો સમન્સ પાઠવ્યો…
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બૅન્કરને સમન્સ મોકલવામાં આવ્યા હતા. તેણે પોતાના મોબાઈલ ફોનથી 29 માર્ચે બુકમાયશો ઍપ પરથી કામરાના શોની ટિકિટ બુક કરાવી હતી.
નોંધનીય છે કે શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે 28 માર્ચે ખાર પોલીસે કથિત બદનક્ષી બદલ કામરા સામે એફઆઈઆર નોંધ્યો હતો.
અગાઉ બે વાર સમન્સ મોકલાવ્યા છતાં હાજર ન થનારા કામરાને મંગળવારે પોલીસે ત્રીજી વાર સમન્સ મોકલાવ્યા હતા અને પાંચમી એપ્રિલે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું હતું.
બીજી વાર સમન્સ મોકલાવ્યા પછી પણ પોલીસ સમક્ષ હાજર ન થનારા કામરાના માહિમના ઘરે પોલીસની ટીમ સોમવારે ગઈ હતી. કામરા પોલીસ સમક્ષ ક્યારે હાજર થશે તેની તપાસ કરવા પોલીસની ટીમ ગઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)