સબ-ઇન્સ્પેક્ટરે બે કરોડની લાંચ માગી: વકીલ પાસેથી 45 લાખ લેતાં ઝડપાયો

પુણે: આર્થિક ગુના શાખામાં દાખલ કેસમાં ભીનું સંકેલવા આરોપીના વકીલ પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ માગનારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ 45.5 લાખ રૂપિયાનો હપ્તો લેતાં રંગેહાથ પકડી પાડ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વકીલના અસીલ અને તેના પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ છેતરપિંડી તેમ જ વિશ્ર્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અસીલના પિતા હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે.
આપણ વાચો: રાજકોટ એસીબીની મોટી કાર્યવાહી, બે ઈજનેર સહિત સહયોગીને લાંચ લેતા રંગેહાથે ઝડપ્યાં
પિંપરી-ચિંચવડ પોલીસની આર્થિક ગુના શાખાનો સબ-ઇન્સ્પેક્ટર પ્રમોદ ચિંતામણી આ કેસની તપાસ કરી રહ્યો હોઇ તેણે આરોપીની જામીન અરજી પર તરફેણમાં જવાબ નોંધાવવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી.
દરમિયાન વકીલે આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ચર્ચાના બીજા રાઉન્ડમાં સબ-ઇન્સ્પેક્ટરે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે એક કરોડ રૂપિયા વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટરને પાસે જશે. બાદમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વકીલ હપ્તા પર રકમ ચૂકવશે, જેનો પહેલો હપ્તો પચાસ લાખ રૂપિયા 2 નવેમ્બરે ચૂકવવામાં આવશે.
વકીલની ફરિયાદ બાદ એસીબીના અધિકારીઓએ રવિવારે પુણેમાં મંદિર નજીક છટકું ગોઠવ્યું હતું અને સબ-ઇન્સ્પેક્ટરને 45.5 લાખ રૂપિયાનો હપ્તો લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)



