મહારાષ્ટ્ર

નાપાસ થવાના ડરે દસમા ધોરણના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

નાગપુરઃ નાગપુર જિલ્લાની એક નામાંકિત સ્કૂલના 10માના વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયને કારણે ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું. છેલ્લા ઘણા દિવસથી તે પરીક્ષાના તણાવમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 2024માં લેવામાં આવેલી પરીક્ષામાં આ વિદ્યાર્થી નાપાસ થયો હતો. તેણે સરકારની એટીકેટીના નિયમો અનુસાર 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ એ પૂરક પરીક્ષામાં જે વિષયોમાં નાપાસ થયો હતો એ પાસ કરવું જરૂરી હતું.

તેણે સપ્ટેમ્બર, 2024માં પૂરક પરીક્ષાની તૈયારી કરી હતી, પણ પરીક્ષાના દિવસે ભારે વરસાદને કારણે તાલુકાના રસ્તાઓ બંધ થઇ ગયા હતા અને તે પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચી શક્યો નહોતો અને તે પાસ થઇ શક્યો નહોતો.

ફરી એક વાર નિષ્ફળ જવાને કારણે તે નિરાશ થઇ ગયો હતો. હવે તેની પાસે હાલમાં 10માની ચાલી રહેલી પરીક્ષામાં પાસ થવાની છેલ્લી તક હતી. તેણે બે વિષય પાસ કરવાના હતા. આ વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યો હતો. જોકે તેણે એવું કહ્યું હતું કે અંગ્રેજી વિષયનો ડર મારામાં ઘર કરી ગચો છે અને મને નાપાસ થવાનો ભય સતાવી રહ્યો છે.

શનિવારે અંગ્રેજીના પેપરને કારણે માનસિક તણાવ અનુભવી રહેલા આ વિદ્યાર્થીએ હતાશામાં આવીને ઝેર પી લીધું હતું. પછી એ કોઇ બસ સ્ટોપ પાસે જઇને બેભાન થઇ ગયો હતો. તેના મિત્રએ જોયું હતું અને તાત્કાલિક તેના પિતાને જાણ કરી હતી. કુહીની ગ્રામીણ હોસ્પિટલમાં તાત્કાલિક તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની હાલત ગંભીર જણાતાં તેને નાગપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : બાંગ્લાદેશી વિમાનનું નાગપુરમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ, ફ્લાઈટમાં 400 લોકો હતા સવાર

આ ઘટનાને કારણે સમગ્ર ખળભળાટ મચી ગયો હતો. નિષ્ણાતો માને છે કે પરીક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીઓ હતાશમાં આવી જતા હોય છે એ માટે માતા-પિતા અને શિક્ષકોએ તેમની સાથે સમન્વય સાધવો જોઇએ અને પ્રેમપૂર્વક વાત કરવી જોઇએ. પરીક્ષામાં નાપાસ થવાના તેમના ડરને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આ કેસમાં કુહી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button