મહારાષ્ટ્રમાં રસ્તા પર બર્થડેનો કેક કટ કરતાં રોક્યા અને…
અકોલાઃ મહારાષ્ટ્રના ખદાન પોલીસ સ્ટેશન હેઠલ આવતા મલકાપુર ખાતે રાતે સાડાઆઠ વાગ્યે બર્થડે સેલિબ્રેશનમાં રસ્તા પર કેક કટિંગ કરવા મુદ્દે વિવાદ થયો અને આ વિવાદમાં પાંચ યુવક ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મલકાપુર ચોકમાં કેક કટ કરીને બર્થડે સેલિબ્રેટ કરી રહેલાં યુવકોને સ્થાનિક રહેવાસીએ અટકાવ્યા હતા અને આ મુદ્દે બે જૂથમાં શાબ્દિક બોલચાલ થઈ અને આ વિવાદ એટલો બધો વકર્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ કેટલાક યુવકોએ મલકાપુર ખાતેના નાગરિકો પર ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો. મામલો એટલો બધો આગળ વધી ગયો હતો કે પોલીસે દરમિયાનગિરી કરવાનો વારો આવ્યો હતો.
દરમિયાન ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જૂની અદાવતને પગલે થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દરમિયાન આ પ્રકરણે પોલીસે એક યુવકને તાબામાં લીધો હોઈ બાકીના યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ વરિષ્ઠ પોલીસના આદેશ મળતાં જ શહેરમાં લગાવવામાં આવેલા તમામ બેનર, બોર્ડ અને હોર્ડિંગ હટાવી દેવામાં આવ્યા છે. મહાપાલિકાના એન્ક્રોન્ચમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને પોલીસની ઉપસ્થિતિમાં આ બોર્ડ્સ હટાવવામાં આવ્યા છે.