રાજ્ય ચૂંટણી પંચે માગી ‘નગર વિકાસ વિભાગ’ની મદદ: અહિલ્યાનગરની અંતિમ વોર્ડ રચના પ્રકાશિત કરવામાં વિલંબ…

અહિલ્યાનગર: રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદો કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાની અંતિમ વોર્ડ રચના સમયમર્યાદા પસાર થયા પછી પણ પ્રકાશિત કરવામાં આવી નથી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચે રાજ્યના નગર વિકાસ વિભાગ પાસેથી રિપોર્ટ માગ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે નગર વિકાસ વિભાગના નાયબ સચિવને પત્ર મોકલ્યો છે.
આ દરમિયાન, સમયમર્યાદા પસાર થયાને પાંચ દિવસ વિતી ગયા હોવા છતાં, નગર વિકાસ મંત્રાલયે શુક્રવાર સુધી વોર્ડ રચનાને અંતિમ સ્વરૂપ આપીને રાજ્ય ચૂંટણી પંચને મોકલી નથી. મ્યુનિસિપલ કમિશનર અને પ્રશાસક યશવંત ડાંગે અને અન્ય અધિકારીઓ મુંબઈમાં ધામા નાખીને બેઠા હતા.
શિવસેનાના ઠાકરે જૂથના શહેર વડા કિરણ કાળે અને સામાજિક કાર્યકર શાકીર શેખે રાજ્ય ચૂંટણી પંચ પર એવો આરોપ લગાવ્યો હતો કે શાસક પક્ષો અને મહાયુતિ દ્વારા રાજકીય દખલગીરીને કારણે વોર્ડ રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવતું નથી.
કિરણ કાળેએ કમિશનને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શહેરના પ્રતિનિધિઓ મુખ્ય પ્રધાનને મળ્યા હતા અને નગર વિકાસ વિભાગ પર દબાણ કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ દરમિયાનગીરી કરી હતી. શિંદે જૂથના સ્થાનિક ઉમેદવારોએ પણ નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેના માધ્યમથી દબાણ કર્યું હતું.
અત્યાર સુધી અમલમાં મુકાયેલી બધી પ્રક્રિયાઓ રદ કરીને નવેસરથી પ્રક્રિયા અમલમાં મુકવી જોઈએ એવી માગણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ વહીવટકર્તા અને કમિશનરનું વર્તન મહાયુતિના અંગત સેવકો જેવું છે. તેથી, તેમની જગ્યાએ સ્વચ્છ છબી ધરાવતા અધિકારીની નિમણૂક કરવી જોઈએ.
આ દરમિયાન, સામાજિક કાર્યકર શાકીર શેખે પણ કમિશન પાસે માંગ કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ વોર્ડ રચનાની તપાસ કર્યા વિના અંતિમ મંજૂરી ન આપવી જોઈએ અને વોર્ડ રચનાની કડક ચકાસણી કરવી જોઈએ.
શાસક મહાયુતિના ત્રણેય ઘટક પક્ષો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડ રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં નગર વિકાસ વિભાગ દ્વારા થઈ રહેલા વિલંબ અંગે મૌન રહ્યા છે. ત્રણેય પક્ષોના પદાધિકારીઓ ભાજપ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર જૂથ) અને શિવસેનાનું શિંદે જૂથ – આ મુદ્દા પર વાત કરવા તૈયાર નથી. વોર્ડ રચનાને લઈને આ ત્રણેય પક્ષોમાં વિવાદો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો…ત્યાં સુધી સરકારને જંપવા નહીં દઈએ: ઉદ્ધવ ઠાકરેની ચેતવણી