મહારાષ્ટ્ર

યવતમાળમાં 10-12 અજાણ્યા લોકોએ ST બસ બાળી: 73 મુસાફરોને આબાદ બચાવી લેવાયા

નાંદેડ: યવતમાળમાં નાગપૂર-તુળજાપૂર મહામાર્ગ પર 10થી 12 અજાણ્યા લોકોએ ST બસમાં આગ લગાવી હતી. આ બસમાં મુસાફરી કરી રહેલ તમામ 73 મુસાફરો સુરક્ષિત હોવાની જાણકારી મળી છે. વિદર્ભ-મરાઠવાડા સીમા પર ઉમરખેડ પાસે આવેલ પૈનગંગા નદીના પુલ પર આ ઘટના ઘટી હતી. આ બસ હાતગામ પાસેથી નાગપૂર તરફ જઇ રહી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા આ અજાણ્યા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નાંદેડ જિલ્લામાં આવેલ હાતગાવ તાલુકાના માર્લેગાવ પાસે રાત્રે અજાણ્યા લોકોએ ST બસને રસ્તા પર જ રોકીને બાળી હોવાનો બનાવ બન્યો છે. જ્યારે બસમાં આગ લગાવવામાં આવી ત્યારે તેમાં 73 મુસાફરો હતાં. મુસાફરો તરત જ બસમાંથી બહાર આવી જતાં મોટો અનર્થ થતાં બચી ગયો હતો. તમામ 73 મુસાફરો સુરક્ષિત હોવાની જાણકારી મળી છે. જોકે આગને કારણે આખી બસ બળીને ખાંખ થઇ ગઇ હતી.


નાંદેડના હાતગાવ ડેપોની આ બસ નાગપૂર તરફ જઇ રહી હતી. તે જ સમયે મરાઠવાડા-વિદર્ભ સીમા પર પૈનગંગા નદીના પુલ પર બસને રોકીને અજાણ્યા લોકોએ આગ લગાવી હતી. આ ઘટના પાછળ મરાઠા આંદોલનકારીઓનો હાથ હોવાની શક્યતા વર્તાઇ રહી છે. કારણ કે વિદર્ભની સીમા પર આવેલ હાતગાવ તાલુકામાં મરાઠા આંદોલન પહેલેથી મોટા પાયે ચાલી રહ્યું છે. જોકે આ બસને આગ લગાવના આખરે કોણ હતા તેની તપાસ પોલીસ કરી રહી છે.

પાછલાં ઘણાં દિવસોથી મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. ત્યારે હવે મરાઠા સમાજ દ્વારા અલગ અલગ પ્રકારે આંદોલન હાથ ધરી સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જ્યારે આ જ પાર્શ્વભૂમી પર અનેક ગામોમાં રાજકીય નેતાઓની એન્ટ્રી બંધ કરવામાં આવી છે. મરાઠા સમાજને અનામત નહીં મળે ત્યાં સુધી કોઇ પણ રાજકીય નેતાને ગામમાં પ્રવેશ આપવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ તમામ પરિસ્થિતી જોતાં મરાઠા આરક્ષનનો મુદ્દો હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગરમાયો હોવાનું દેખાઇ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button