ગરમીના દિવસો માટે બેડ ન્યૂઝઃ ST પ્રશાસનને 150ના બદલે માત્ર 20 AC Bus મળશે
મુંબઈ: ઉનાળાની કાળઝરતી ગરમીમાં થંડી આરામદાયક એસટી બસમાં પ્રવાસ કરવા રાજ્યના લાખો મુસાફરોને થોડી રાહ જોવી પડશે એવુ લાગી રહ્યું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન (એસટી) કોન્ટ્રાક્ટ મુજબ માર્ચના અંત સુધીમાં ૧૫૦ નવી એસી બસો આવવાની ધારણા હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ૨૦ બસો જ આપવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા બસોનું ફોલોઅપ કરવામાં ન આવ્યુ હોવાથી આ વર્ષે સામાન્ય લોકોને આકરી ગરમી સહન કરીને મુસાફરી કરવી પડશે. એસટીમાં મુસાફરો સસ્તા દરે, આરામથી મુસાફરી કરી શકે તે માટે કોર્પોરેશને ૫,૧૫૦ વાતાનુકૂલિત બસના નિર્માણ માટે ટેન્ડર જાહેર કર્યા હતા. ઓલેક્ટ્રા કંપનીએ આમાં ભાગ લીધો અને કોન્ટ્રાક્ટ મેળવ્યો.
આ પણ વાંચો
Gujarat: Loksabha ચૂંટણી પહેલા ગુજરાતને GSRTCની 301 નવી બસોની ભેટ
કોન્ટ્રાક્ટ મુજબ ઓલેક્ટ્રા પાસેથી કોર્પોરેશનને ૧૨ મીટર લંબાઈની ૨,૮૦૦ બસ અને ૯ મીટર લંબાઈની ૨,૩૫૦ બસ મળે તેવી અપેક્ષા છે. આ બસની વિશેષતાઓમાં એર કન્ડિશનિંગ, આરામદાયક સીટ, સીસીટીવી, આગળ અને પાછળનું એર સસ્પેન્શન અને ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે.
ઓલેક્ટ્રા માર્ચના અંત સુધીમાં નિગમને ૧૫૦ બસ સોંપે તેવી અપેક્ષા હતી, પરંતુ જાન્યુઆરીમાં માત્ર ૨૦ બસ જ આવી છે, ત્યાર બાદ બીજી નવી બસ આપવામાં આવી નથી. માર્ચના છેલ્લા પખવાડિયા પછી નવી બસો આવવાની શક્યતાઓ ધૂંધળી છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે નવી બસો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે વરિષ્ઠ સ્તરે ચર્ચા ચાલી રહી છે.