પુણે બાદ નાગપુરમાં હિટ એન્ડ રન, તબાહી મચાવી, ઓવર સ્પીડ કારે ત્રણ લોકોને ટક્કર મારી

નાગપુરઃ મહારાષ્ટ્રમાં સ્પીડનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પુણેમાં પોર્શે કારની ઘટના બાદ હવે નાગપુરમાં પણ સ્પીડમાં આવતી કારે ત્રણ લોકોને અડફેટમાં લીધા છે. આ પછી લોકો ગુસ્સે થઈ ગયા અને કારમાં તોડફોડ શરૂ કરી દીધી. આ ઘટના નાગપુરના જેંડા ચોકમાં બની હતી.
નાગપુર પોલીસે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 8:30 વાગ્યે કોતવાલી પોલીસ સ્ટેશનના જેંડા ચોક વિસ્તારમાં એક ઝડપી કારે ટક્કર મારતાં એક મહિલા, તેનું બાળક અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘટના બાદ લોકોએ એક આરોપીને પકડી લીધો અને વાહનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આ કેસમાં પોલીસે 3 યુવકો અને કાર ચાલકની અટકાયત કરી છે. કારમાંથી દારૂની બોટલો અને નશીલા પદાર્થો મળી આવ્યા હતા. આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો હતો.
હાલમાં જ પુણેમાં હિટ એન્ડ રનની ઘટના નોંધાઇ હતી. પુણેમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોર્શ કાર ચલાવતા 17 વર્ષના શરાબી સગીરે 24 વર્ષના અનીશ અવડિયા અને અશ્વિની કોસ્ટાને કચડી નાખ્યા હતા. નીચલી કોર્ટે આરોપી સગીરને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા, જે બાદમાં રદ કરવામાં આવ્યા હતા. સગીરના પિતાની સંભાજીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં વાહનનું રજિસ્ટ્રેશન થયું નહોતુ. પોર્શએ કાર ટેમ્પરરી રજિસ્ટ્રેશનવાળી હતી.
ટેમ્પરરી રજિસ્ટ્રેશન સાથેના આ વાહનનો ઉપયોગ ફક્ત RTOમાં આવવા-જવા માટે જ થઈ શકે છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશનવાળા વાહનને જાહેર માર્ગો પર ચલાવી શકાતું નથી.