મહારાષ્ટ્રમાં નવા વર્ષના પહેલા દિવસે દીકરાએ માતાપિતાને મારી નાખ્યા, જાણો ચોંકાવનારો કિસ્સો?
નાગપુરઃ કોલેજમાં વારંવાર નાપાસ થવા બદ્દલ માતા-પિતા દ્વારા પૂછાતાં રોષે ભરેલા યુવાને માતા પિતાની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાન વારંવાર નાપાસ થતો હોવાથી તેના માતા-પિતાએ તેને આ અંગે પૂછ્યું હતું. માતા-પિતાનું પૂછવાનું સહન ન થતાં છોકરાએ તેના માતા-પિતાને મારી નાખ્યા હતા.
નવા વર્ષના પહેલા જ દિવસે કપિલનગર પોલીસ સ્ટેશનની હદમાં આ ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મૃત દંપતીની ઓળખ લીલાધર ડાખોળે અને અરુણા ડાખોળે તરીકે થઈ છે. પોલીસે હત્યાની તપાસ કર્યા બાદ આરોપી ઉત્કર્ષ લીલાધર ડાખોળેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: આસામ પોલીસે ત્રણ નિર્દોષોને મારી નાખ્યા! પરિવારોએ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય ઉત્કર્ષ છેલ્લા બે વર્ષથી વારંવાર નાપાસ થતાં તેની માતાએ તેને બેલકવાડાના તેમના ખેતરનો કબજો લેવા કહ્યું. પિતાએ પણ તેને એન્જિનિયરિંગ છોડી આઈટીઆઈ કે પોલિટેકનિકમાં એડમિશન લેવાની સલાહ આપી હતી. ૨૫ ડિસેમ્બરે તેના પિતાએ ઉત્કર્ષને માર માર્યો હતો, જેના કારણે રોષે ભરાયેલા ઉત્કર્ષે તેના માતા-પિતાને મારવાનું કાવતરું ઘડ્યું હતું.
આ પણ વાંચો: જાલનામાં પિતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી મારી નાખ્યાં
૨૬મી ડિસેમ્બરે માતા પેપર ચેક કરવામાં વ્યસ્ત હતી, ત્યારે ઉત્કર્ષે તેની માતાનું બંને હાથ વડે ગળું દબાવી હત્યા કરી હતી. એક કલાક પછી તેના પિતા ઘરે આવ્યા ત્યારે ઉત્કર્ષે પાછળથી આવી પિતાના ગળા પર ચાકુ મારી તેમની હત્યા કરી હતી. બંનેના મૃતદેહ ઘરમાં મૂકીને ઉત્કર્ષ ઘરેથી નીકળી ગયો હતો.
નવા વર્ષના પ્રથમ દિવસે ઘરમાંથી દુર્ગંધ આવતા પડોશીએ પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસને ઉત્કર્ષની હિલચાલ પર શંકા ગઈ હતી. જેથી પોલીસે તેને તસવીર દેખાડતા જ તેણે તેના માતા-પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.