નાગપુરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, લશ્કરના જવાને કરી ગર્લફ્રેન્ડની હત્યા: મૃતદેહ ખાડામાં નાખી સિમેન્ટથી પૂર્યો

નાગપુર: દૃશ્યમ ફિલ્મની વાર્તા સાથે સામ્યતા ધરાવતી ઘટના નાગપુરમાં બની હતી. લશ્કરના જવાને ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ મૃતદેહને ખાડામાં નાખી ખાડાને સિમેન્ટથી પૂરી દીધો હતો.
હત્યાકાંડનો ખુલાસો થતાં બેલતરોડી પોલીસે લશ્કરના જવાન અજય વાનખેડે (33)ની ધરપકડ કરી હતી. લગ્ન સંબંધી વેબસાઈટ પર વાનખેડેની ઓળખાણ ડિવોર્સી જ્યોત્સ્ના આકરે સાથે થઈ હતી. મિત્રતા પછી બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ વાનખેડેના પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યો હતો અને તેનાં લગ્ન બીજી યુવતી સાથે કરાવ્યાં હતાં.
જોકે જ્યોત્સ્નાએ વાનખેડેને છોડવા માગતી નહોતી. મિત્રો પાસેથી તે વાનખેડેનું સરનામું મેળવવાના પ્રયાસ કરતી હતી. આખરે જ્યોત્સ્નાથી પીછો છોડાવવા વાનખેડેએ હત્યાની યોજના બનાવી હતી. 28 ઑગસ્ટે માતાના મોબાઈલ પરથી જ્યોત્સ્નાને ફોન કરી વાનખેડેએ વર્ધા રોડ પર મળવા બોલાવી હતી.
આ પણ વાંચો : વધુ એક ટ્રેનનું ડિરેલમેન્ટઃ નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી…
પોલીસના જણાવ્યા મુજબ ઑટોમોબાઈલ શૉપમાં કામ કરતી જ્યોત્સ્ના નોકરી પરથી છૂટી વાનખેડેને મળવા ગઈ હતી. બન્ને જણ એક હોટેલમાં રોકાયા હતા. મધરાતે બન્ને જણ વાહનમાં ટોલ પ્લાઝા નજીક ગયા હતા, જ્યાં જ્યોત્સ્નાને ઘેનયુક્ત ઠંડું પીણું પિવડાવવામાં આવ્યું હતું. બેભાન જ્યોત્સ્નાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. પછી નાગપુરમાં નિર્જન સ્થળે વાનખેડેએ ખાડો ખોદી તેમાં જ્યોત્સ્નાનો મૃતદેહ નાખ્યો હતો. પછી સિમેન્ટથી ખાડાને પૂરી દીધો હતો.
આ કેસમાં પોલીસે ફોન રેકોર્ડને આધારે પૂછપરછ માટે સમન્સ મોકલતાં વાનખેડેએ બ્લડ પ્રેશર વધી ગયું હોવાનું બહાનું કર્યું હતું. પછી સેશન્સ અને હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બન્ને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. (પીટીઆઈ)