કપડાંમાં સોનાનો સ્પ્રે કરી દાણચોરી, રૂ. 50 લાખનું સોનું , રૂ. 77 લાખની ઘડિયાળ જપ્ત
નાગપુર: એરપોર્ટ પર સોનું કે બીજી કોઈ મોંઘી વસ્તુની દાણચોરી કરવા માટે લોકો જુદા જુદા ઉપાયો કરતાં હોય છે. તાજેતરમાં નાગપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયાનું સોનું અને 77 લાખની ઘડિયાળ સાથે કરોડો રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી હતી. આ વ્યક્તિ યુએઇના શારજાહથી આવ્યો હતો. પોલીસે આ વ્યક્તિની અટક કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અને ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા આ વ્યક્તિ’ની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે શારજાહથી આવેલા એક યાત્રી પર કસ્ટમ વિભાગને શંકા થતાં તેની બેગની તપાસ કરી હતી. આ બેગમાં ઘણા બધા કપડાં હતા. આ કપડાંની તાપસ કરતાં તેના પર શંકા જતાં આ કપડાંને કાતર વડે ફાડવામાં આવ્યા હતા.
પોલીસે આ કપડાંને કાતર વડે ફાડયા તે વખતે તેમાંથી સોનાને સ્પ્રે કરી ચોંટાડવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ 50,70,000 રૂપિયાના સોનાને સ્પ્રે કરી દાણચોરી કરી હતી. આ સાથે તેની પાસેથી 77 લાખ રૂપિયાના કિંમતના મોબાઇલ, સ્માર્ટ વોચ અને કેસર પણ જપ્ત કર્યું હતું. મહોમ્મદ મોગર અબ્બાસ નામનો આ આરોપી શારજાહથી નાગપુર આવ્યો હતો. અબ્બાસની દાણચોરી કરવાની રીતને જોઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. આ આરોપી સામે દાણચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.