સિંગાપોર જેવું કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહારાષ્ટ્રમાં બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મહારાષ્ટ્રના યુવાનોને કૌશલ્ય વિકાસની વિશ્વસ્તરીય તાલીમ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકાર હવે મહારાષ્ટ્રમાં સિંગાપોરની તર્જ પર વૈશ્ર્વિક કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યનાં કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાને ગુરુવારે સિંગાપોરના કોન્સ્યુલ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.
આ સંદર્ભમાં મંત્રાલય ખાતે સિંગાપોરના કોન્સ્યુલ ઓંગ મિંગ ફંગ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને આ બાબતે ચર્ચા પણ થઈ હતી. કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાને એવી સ્પષ્ટતા કરી હતી કે કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી મહારાષ્ટ્રના યુવાનો માટે વિશ્વ કક્ષાના વ્યવસાયો માટેની તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ બેઠકમાં, સિંગાપોરના કોન્સ્યુલ ઓંગ મિંગ ફંગે રાજ્યના વિવિધ ભાગોમાં યોજાતા વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમોનો અભ્યાસ કર્યો. કૌશલ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કેન્દ્ર અંગે ફંગે સંતોષ વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાની કૌશલ્ય તાલીમ આપવા માટે પણ સંમતિ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: દેશને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મહત્ત્વના: મોદી
સિંગાપોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન સર્વિસીસ (આઈટીઈઈએસ) વિશ્વભરના ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્ય અભ્યાસક્રમોનું વૈવિધ્ય ઓફર કરે છે. આ પહેલ મહારાષ્ટ્રના યુવાનોને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રોજેક્ટ્સમાં સીધા કામ કરવાની, આધુનિક ટેકનોલોજી, રોબોટિક ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી, તેમજ ઔદ્યોગિક પ્રણાલીઓ અને સેવાઓમાં તાલીમ મેળવવાની તક પૂરી પાડશે.
સિંગાપોરના ગ્લોબલ સ્કીલ્સ સેન્ટર દ્વારા વિશ્વ કક્ષાની તાલીમ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ માટે વિશ્વભરમાં રોજગારની તકોના દ્વાર ખોલે છે. આ અનુરૂપ, કૌશલ્ય વિકાસ વિભાગ વૈશ્ર્વિક સ્તરે મહારાષ્ટ્રના યુવાનો માટે તકો ઊભી કરવાનો પ્રયાસ કરે છે. સિંગાપોરના કોન્સ્યુલ ઓંગ મિંગ ફંગ સાથે સકારાત્મક ચર્ચા થઈ છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.