મહારાષ્ટ્ર

શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના કેસમાં ફેબ્રિકેટરની ધરપકડ

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લા પરની છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી પડવાના કેસમાં પોલીસે ફેબ્રિકેટરની ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફેબ્રિકેટર પરમેશ્ર્વર રામનરેશ યાદવની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. યાદવે શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરતી વખતે હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.

આ પ્રકરણની તપાસમાં યુપીના મિરઝાપુરમાં રહેતા યાદવની ભૂમિકા સ્પષ્ટ થયા પછી ગુરુવારે તેને તાબામાં લેવાયો હતો. પ્રતિમાના વિવિધ ભાગોને વેલ્ડિંગથી યોગ્ય રીતે ન જોડવાનો પણ તેના પર આક્ષેપ કરાયો હતો.

ટેક્નિકલ વિશ્ર્લેષણ દરમિયાન એવું જણાયું હતું કે અમુક જગ્યામાં લોખંડની આ પ્રતિમાને કાટ લાગ્યો હતો, જેને કારણે તે કમજોર બનીને તૂટી પડી હતી. પ્રતિમાના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયાનું તપાસમાં સિદ્ધ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે નવું ટેન્ડર બહાર પડાયું

ધરપકડ કરાયેલા યાદવને કોર્ટે 19 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

17મી સદીના મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આ વિરાટ પ્રતિમાનું અનાવરણ 4 ડિસેમ્બર, 2023ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા બાદ 26 ઑગસ્ટે ભારે પવનને કારણે તે તૂટી પડી હતી. આ કેસમાં અગાઉ જયદીપ આપ્ટે અને ચેતન પાટીલની ધરપકડ કરાઈ હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button