એકલા ચાલો રેઃ પાલિકાની ચૂંટણીઓ શિવસેના-યુબીટી ‘એકલા હાથે’ લડવાના મૂડમાં
મુંબઈ: રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર સહન કર્યા બાદ શિવસેના-યુબીટીએ આગામી મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ‘એકલા ચાલો રે’નું વલણ અપનાવ્યું છે. આ બાબતે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં પાલિકા કબજે કરવાની હશે તો એકલા હાથે લડવી પડશે, એવું પક્ષના નેતાઓનું કહેવું છે.
શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે પણ શુક્રવારે કહ્યું હતું કે પક્ષ દ્વારા પાલિકાની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માંથી અલગ થઇને ઉદ્ધવ ઠાકરે જૂથ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માગે છે. આ બાબતે કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે સંજય રાઉતની ટીકા કરી હતી.
‘પાલિકાની ચૂંટણીઓ ક્યારેય યોજાવા દ્યો. મુંબઈ સહિત ૧૪ પાલિકાની ચૂંટણી માટે પક્ષે તૈયારી શરૂ કરી છે. ત્રણ-સાડા ત્રણ વર્ષ ચૂંટણીઓ યોજી નહીં, કારણ કે તેમને હારવાનો ડર હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ તેઓને લાગે છે કે પાલિકાની ચૂંટણી પણ તેઓ જીતી શકે છે. તેથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, પણ મુંબઈમાં મરાઠી માણુસે ટકી રહેવું જોઇએ, મુંબી મરાઠી માણસોની રાજધાની છે. આ ચૂંટણીમાં અમે પોતાના પ્રાણોની બાજી પણ લગાવી દેશું’, એમ રાઉતે કહ્યું હતું.
આ પણ વાંચો : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે ક્યારે યોજાશે?
રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘રાઉતના નિવેદનથી લાગે છે કે તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા છે. તેથી તેઓએ ‘એકલા ચાલો રે’નું નારો લગાવ્યો હશે અને તે તેમનો અધિકાર પણ છે. આઘાડી તરીકે અમે એકસાથે લડવા તૈયાર છે, પણ તેમની બાજુ સ્પષ્ટ થાય તો અમે અમારો નિર્ણય લઈશું.’
મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે?
ચૂંટણી પંચના કાર્યાલયના સૂત્રોના જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટમાં બાવીસમી જાન્યુઆરીના રોજ રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી બાબતે સુનાવણી થશે. પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના સભ્યોની સંખ્યા કેટલી, વૉર્ડની રચના કેવી હોવી, સભ્યોની સંખ્યા રાજ્ય સરકાર નક્કી કરશે કે ચૂંટણી પંચ આ બધી બાબતોનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં લેવાયા બાદ ચૂંટણીની તૈયારી માટે અંદાજે ત્રણ મહિનાનો સમય લાગશે. તેથી હાલના સમયમાં પાલિકા સહિત નગરપાલિકા, નગર પંચાયત, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ થવાની શક્યતા નથી.