મુંબઈમાં મરાઠી મેયરનો આગ્રહ કરનારી શિવસેનાનો પરભણીમાં મુસ્લિમ મેયર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં મરાઠી મેયર બેસાડવાની માગણી કરનારી ઠાકરેની શિવસેનાએ પરભણીમાં એક મુસ્લિમ નગરસેવકને મૅયર પદે બેસાડયા હતા. પરભણીના મૅયર પદે સૈયદ ઈકબાલ ખાજા બિરાજમાન થયા હતા.
બુધવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પાર પડયા બાદ સમગ્ર રાજ્યનું ધ્યાન પરભણીના મૅયર પદે કોણ બિરાજમાન થશે તેના મંડાયું હતું. છેવટે ગુરુવારે પાર પડેલી ચૂંટણીમાં શિવસેનાએ મુસ્લિમ નગરસેવકને મૅયર પદના ઉમેદવાર બનાવ્યા હતા.
મુંબઈમાં મરાઠી મેયરનો આગ્રહ રાખનારી શિવસેનાએ પરભણીમાં મુસ્લિમને મેયર બનાવ્યો હતો, તે માટે એવું કહેવામાં આવે છે કે પરભણીમાં મુસ્લિમ નગરસેવકો વધુ ચૂંટાયા હોવાથી શિવસેનાએ મુસ્લિમ નગરસેવક પર મેયર માટે પસંદગી ઉતારી હતી. આ અગાઉ ૧૯૯૫માં યુતિ સરકારના સમયમાં બાળ ઠાકરેએ પણ મુસ્લિમ વિધાનસભ્ય સાબિર શેખનો પ્રધાન મંડળમાં સમાવેશ કર્યો હતો.
પરભણીમાં શિવસેના-કૉંગ્રેસ પાસે બહુમત હોવાથી બંને પક્ષે આઘાડી કરીને સત્તા સ્થાપી હતી. બંને પક્ષના નેતાઓની સંયુક્ત બેઠક બાદ મેયર તરીકે સૈયદ ઈકબાલ ખાજાના નામ પર સહી-સિક્કા કર્યા હતા.
પરભણી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૩૦ મુસ્લિમ નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેમાં ઠાકરેના ૨૫ નગરસેવકોમાંથી ૧૩ મુસ્લિમ નગરસેવક ચૂંટાઈ આવ્યા છે. તો બાકીના ૧૨ નગરસેવક હિંદુ છે. મુસ્લિમ નગરસેવકની સંખ્યા વધુ હોવાથી લઘુમતી સમાજના મેયર બનાવવાનો પક્ષને નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
પરભણી પાલિકામાં ભાજપે પણ સત્તા મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા પણ સંખ્યાબળ ઓછું હોવાથી તેમના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. પાલિકામાં સત્તા સ્થાપના માટે ૩૪ નગરસેવકોની આવશ્યકતા હતી. કૉંગ્રેસ અને શિવસેના પાસે કુલ ૩૭ નગસેવકોનું સંખ્યાબળ હતું. તેમ જ એક અપક્ષ અને એક રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરસેવકે પણ સેના-કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેથી તેમનો ઉમેદવાર બહુમતીએ મૅયર પદે ચૂંટાયો હતો.



