સંવાદ બંધ થાય તો કોઈપણ ગઠબંધન સફળ થાય નહીં: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં એકલપંડે લડવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ શિવસેના (યુબીટી) પાર્ટીના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે, જો કોઈપણ ગઠબંધનમાં ભાગીદારો વચ્ચે સંવાદ બંધ થાય તો તે ગઠબંધન સફળ થઈ શકે નહીં.
ભાગીદારો વચ્ચે સંવાદ જાળવી રાખવા માટે ‘જવાબદાર નેતાઓ’ની નિમણૂંક કરવાની જરૂર છે અને કોંગ્રેસ, જે વિપક્ષી ઈન્ડિ ગઠબંધનનો સૌથી મોટો ઘટક છે, તેમણે આ ભૂમિકા નિભાવવી જોઈએ, એમ સંજય રાઉતે અહીં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે ગઠબંધનના ભાગીદારો સામે ચૂંટણી લડવામાં કંઈ ખોટું નથી, પરંતુ આવા કિસ્સાઓમાં કોઈપણ પક્ષે તેમના ભૂતપૂર્વ અથવા સંભવિત ભાવિ સાથીઓને ‘ગદ્દાર’ તરીકે ઓળખાવવા જોઈએ નહીં.
શનિવારે રાઉતે ગઠબંધનમાં સંબંધિત પક્ષોના કાર્યકરો માટે તકોનો અભાવ અને સંગઠનાત્મક વિકાસના અધિકારને એકલા લડવા માટેના મુખ્ય મુદ્દાઓ તરીકે ટાંક્યા હતા અને આને કારણે વિપક્ષી જૂથની એકતા પર પ્રશ્ર્નાર્થ ઊભો થઈ રહ્યો છે.
રાજ્યસભાના સભ્યે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પક્ષ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પોતાનો આધાર મજબૂત કરવા માટે એકલપંડે લડવા માગે છે અને તેમણે ક્યારેય વિપક્ષી ઈન્ડિ ગઠબંધન અથવા મહા વિકાસ આઘાડી (એમવીએ)ને વિખેરી નાખવાની વાત કરી નથી, આ ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી (એસપી)નો સમાવેશ થાય છે.
સોમવારે ઈન્ડિ ગઠબંધન વિશે બોલતાં રાઉતે કહ્યું હતું કે, ‘આ દેશના રાજકીય પટલ પર આગળ વધવાની આપણા બધાની સામૂહિક ઇચ્છા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં આપણા કેટલાક ભાગીદારોએ એવું વલણ અપનાવ્યું હોય તેવું લાગે છે કે સંવાદ તૂટી ગયો છે. જો સંવાદ તૂટી જાય તો કોઈ પણ ગઠબંધન સફળ થઈ શકશે નહીં.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપના વિજયથી શરદ પવારની ‘વિશ્વાસઘાત’ની રાજનીતિનો આવ્યો અંત: અમિત શાહ
તેમણે દાવો કર્યો કે 2019 માં શિવસેના-ભાજપ જોડાણ તૂટી ગયું કારણ કે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.
‘યોગ્ય સંદેશવ્યવહાર અને સંવાદનો અભાવ ગઠબંધનના તૂટવામાં સીધો ફાળો આપે છે,’ એમતેમણે કહ્યું હતું.
ઈન્ડિ ગઠબંધનમાં લગભગ 30 પક્ષો છે અને તે બધા સાથે સંવાદ જાળવી રાખવા માટે કેટલાક જવાબદાર નેતાઓની નિમણૂંક કરવી જરૂરી છે, એમ રાઉતે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ ઈન્ડિ ગઠબંધનોની બેઠકો દરમિયાન વારંવાર આ મુદ્દા પર ભાર મૂક્યો છે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.
‘ઈન્ડિ ગઠબંધને લોકસભાની ચૂંટણી દરમિયાન દેશના રાજકારણમાં નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું છે અને તે સતત ખીલતું રહેવું જોઈએ. ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી તરીકે, કોંગ્રેસ સૌથી મોટી જવાબદારી ધરાવે છે. કોંગ્રેસે આ ભૂમિકા નિભાવવી જોઈએ,’ એમ રાઉતે કહ્યું હતું.
સાથી પક્ષો સામે ચૂંટણી લડવા અંગે, રાઉતે કહ્યું કે એકબીજા સામે ચૂંટણી લડવામાં કંઈ ખોટું નથી.
‘દિલ્હી જેવા રાજ્યમાં, દાખલા તરીકે, આપ અને કોંગ્રેસ સ્પર્ધા કરી શકે છે. તેવી જ રીતે, મ્યુનિસિપલ ચૂંટણીઓમાં (મહારાષ્ટ્રમાં) જેમ કે અમે સૂચવ્યું છે, એક અલગ અભિગમ જરૂરી હોઈ શકે છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘જોકે, આવા વિકલ્પો પર વિચાર કરતી વખતે, કોઈએ તેમના ભૂતપૂર્વ અથવા સંભવિત ભાવિ સાથી પક્ષોને ગદ્દાર તરીકેનું લેબલ લગાવવાની હદ સુધી ન જવું જોઈએ. આ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (યુબીટી)નું વલણ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.