શિરુર લોકસભા બેઠક પર નવો ટ્વીસ્ટ: આઢળરાવ પાટીલ અજિત પવાર જૂથમાં સામેલ થશે? મતદારસંઘમાં ચર્ચા
પુણે: લોકસભાની ચૂંટણીમાં હવે થોડા મહિનાની જ વાર છે ત્યાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો યાદી પર કામ શરુ કરી દીધુ છે. જોકે રાજ્યમાં થયેલ રાજકીય ભૂકંપને કારણે મતદારસંઘનું સમીકરણ પણ બદલાયું છે. તેથી હવે કયો ઉમેદવાર કયા પક્ષમાંથી લડશે તે અંગે કોઇ દાવો કરી શકે તેમ નથી. દરમીયાન હવે પુણે જિલ્લાના શિરુર લોકસભા મતદારસંઘ બાબતે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે. કારણ કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના નેતા અને પૂર્વ સાંસદ શિવાજીરાવ આઢળરાવ પાટીલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથમાંથી આગામી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેની ચર્ચા હાલ શિરુર મતદારસંઘમાં થઇ રહી છે.
એકનાથ શિંદેએ શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેને પડકારી અલગ જૂથ ઊભુ કર્યુ હતુ. ત્યાર બાદ શિવાજીરાવ આઢળરાવ પાટીલે એકનાથ શિંદે સાથે જવાનો નિર્ણય લીધો હતો. જોકે જે લોકસભા મતદારસંઘમાંથી આઢળરાવ પાટીલ ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે એ શિરુર બેઠક પર ભાજપ પણ દાવો કરી રહી છે.
ભાજપના વિધાનસભ્ય મહેશ લાંડગેએ આ મતદારસંઘમાંથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે તો બીજી બાજુ રાષ્ટ્રવાદીમાં બે જૂથ પડ્યાં બાદ શિરુરના પ્રવર્તમાન સાંસદ ડો. અમોલ કોલ્હેએ પોતે શરદ પવાર સાથે રહેશે એવી જાહેરાત કરી હતી. આ મતદારસંઘમાં હાલમાં રાષ્ટ્રવાદીના અજિત પવાર દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તેથી કોલ્હેની સામે લડવા માટે આઢળરાવ પાટીલ અજિત પવાર જૂથનો વિચાર કરી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળમાં થઇ રહી છે.