શિરસાટ જરાંગેને મળ્યા: મરાઠા વિદ્યાર્થીઓ માટે જાતિ માન્યતા પ્રમાણપત્રોના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

શિરસાટ જરાંગેને મળ્યા: મરાઠા વિદ્યાર્થીઓ માટે જાતિ માન્યતા પ્રમાણપત્રોના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપી

જાલના: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુખ્ય સચિવને કુણબી જાતિને માન્યતા પ્રમાણપત્રો આપવા માટે આદેશો જારી કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન થાય.

શિરસાટે જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. અરજદારોએ તેમના કુણબી વંશના પુરાવા આપતા માન્ય દસ્તાવેજો સબમિટ કર્યા હોવા છતાં સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ‘બેદરકારી અને અયોગ્ય વિલંબ’ અંગે જરાંગેએ નારાજગી વ્યક્ત કરી હતી.

આપણ વાંચો: રાજ-ફડણવીસની મુલાકાત બાદ શિરસાટે કહ્યું, મનસેએ અમારી સાથે આવવું જોઈએ, સેના (યુબીટી)નો બચાવ

સામાજિક ન્યાય ખાતાના પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય સચિવને મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના શૈક્ષણિક નુકસાનનો સામનો ન કરવો પડે તે માટે વિલંબ કર્યા વિના કુણબી જાતિ માન્યતા પ્રમાણપત્રો જારી કરવાનો આદેશ /નિર્દેશ આપવામાં આવ્યો છે.

મીડિયા સાથે વાત કરતા જરાંગે કહ્યું હતું કે ‘પ્રમાણપત્ર આપવામાં થતો વિલંબ વિદ્યાર્થીઓ અને તેમના ભવિષ્ય પર અસર કરી રહ્યો છે. દસ્તાવેજો હોવા છતાં વહીવટીતંત્ર જાણી જોઈને પ્રક્રિયાને લંબાવી રહ્યું છે.’

કાર્યકર્તા મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપીને ઓબીસી ક્વોટા હેઠળ અનામતની માગણી કરી રહ્યા છે. કૃષિ સમુદાય, કુણબીઓ, ઓબીસી અનામત લાભો મેળવે છે. તેમણે વધુમાં કહ્યું કે જો 30 જૂને રાજ્ય વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો મરાઠા સમુદાય 29 ઓગસ્ટે મુંબઈ તરફ એક વિશાળ કૂચ શરૂ કરશે.

આપણ વાંચો: વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ

‘અમે પહેલાથી જ શાસક અને વિપક્ષી બંને પક્ષોના વિધાનસભ્યોનો સંપર્ક કરી ચૂક્યા છીએ. અમારા કોલ પછી બાર વિધાનસભ્યો અંતરવાલી સરાટીની મુલાકાત લઈ ચૂક્યા છે,’ તેમણે ઉમેર્યું હતું કે તેઓ બધા વિધાનસભ્યો, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોને ગામમાં બોલાવશે.

તેમણે 29 જૂને અંતરવાલી સરાટી ખાતે મરાઠા સમુદાયની બેઠકની પણ જાહેરાત કરી હતી, જ્યાં તેઓ સમુદાયની અપીલનો પ્રતિસાદ આપનારા વિધાનસભ્યોના નામ જાહેર કરવાની યોજના ધરાવે છે.

જરાંગેએ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતા સમુદાય માટે અનામતની માગણીને માટે અનેક ભૂખ હડતાળ કરી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button