ચૂંટણીની જાહેરાત પૂર્વે શિંદેએ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની કરી જાહેરાત

મુંબઈઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતાં થોડી મિનિટો પહેલાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નીચલા સ્તરના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ૨૯,૦૦૦ રૂપિયાના બોનસની પણ જાહેરાત કરી છે, જે ગયા વર્ષ કરતા ત્રણ હજાર રૂપિયા વધુ છે.
ગયા વર્ષે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ૮ નવેમ્બરે બીએમસી કર્મચારીઓ માટે ૨૬,૦૦૦ રૂપિયાના દિવાળી બોનસની જાહેરાત કરી હતી. કિન્ડરગાર્ડન શિક્ષકો અને આશા વર્કરોને પણ બોનસ મળશે. ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે.
આ પણ વાંચો :નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ઉડશે: એકનાથ શિંદે…
થોડા દિવસો પહેલા, રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલેના નેતૃત્વ હેઠળના નગર મઝદૂર સંઘે બીએમસી કર્મચારીઓ માટે ૪૦,૦૦૦ રૂપિયાના દિવાળી બોનસની માંગ કરી હતી. યુનિયને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને કર્મચારીઓને એક્સ-ગ્રેશિયા બોનસ આપવા વિનંતી કરી હતી.