પુણેના મુંઢવામાં જમીનનો સોદો:પોલીસે શીતલ તેજવાનીની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી…

પુણે: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપનીને પુણેના મુંઢવાની સરકારી જમીન ગેરકાયદે વેચવાના મામલામાં આરોપી શીતલ તેજવાનીની ગુરુવારે પોલીસે પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછફરછ કરી હતી. અગાઉ મંગળવારે પણ તેની પૂછપરછ કરાઇ હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
ખડક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આર્થિક ગુના શાખાના અધિકારીઓએ ગુરુવારે શીતલ તેજવાનીની પૂછપરછ કરી હતી. તેજવાની ઉપરાંત પાર્થ પવારના બિઝનેસ પાર્ટનર દિગ્વિજય પાટીલ અને સસ્પેન્ડેડ તહેસીલદાર સૂર્યકાંત યેવલે (જેણે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (બીએસઆઇ)ને ખાલી કરાવવાની નોટિસ જારી કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો) આ કેસમાં આરોપી છે.
પાર્થ પવારનું નામ સેલ ડીડમાં ન હોવાથી તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો નથી. તેજવાની ગુરુવારે આર્થિક ગુના શાખાની ઓફિસમાં પાંચ કલાકથી વધુ સમય સુધી હાજર હતી અને તેણે વધારાના દસ્તાવેજો સુપરત કર્યા હતા, જેમાં અમુક કરાર તેમ જ પાવર ઓફ એટર્ની સંબંધી દસ્તાવેજોનો સમાવેશ હતો. આને આધારે તેનું વધારાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને બાદમાં તેને ઘરે જવા દેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શીતલ તેજવાની પર આરોપ છે કે પુણેના મુંઢવા વિસ્તારમાં 40 એકર સરકારી જમીનની પાવર ઓફ એટર્ની તેની પાસે હતી, જે બાદમાં પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની કંપની અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપી વેચવામાં આવી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…પાર્થ પવારને કોઈ ક્લીન ચીટ મળી નથી…



