નોકરી ઇચ્છુકોની માગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનો: શરદ પવારની મહારાષ્ટ્ર સરકારને સલાહ

પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરી રહેલા નોકરી ઇચ્છુકો સામે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે અને રાજ્ય સરકારને તેમના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા જણાવ્યું છે.
પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યાના એક દિવસ પછી નોકરી ઇચ્છુકો શનિવારે પવારને મળ્યા હતા અને શૈક્ષણિક પડકારો અને તાજેતરના વહીવટી નિર્ણયો અંગે તેમની ફરિયાદો વ્યક્ત કરી હતી.
મીટિંગ દરમિયાન ઉમેદવારોએ તેમની તૈયારીને અસર કરતા અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો અને સરકાર પાસેથી વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અભિગમની માગણી કરી હતી.
ઉમેદવારોમાંથી એકે એવો દાવો કર્યો હતો કે શરદ પવારે તેમને ખાતરી આપી છે કે તેમની ચિંતાઓના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: એમપીએસસીના ઉમેદવારોને પરીક્ષાનું પેપર 40 લાખમાં આપવાની ઓફર: ત્રણ પકડાયા
વાતચીત પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, પવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી અને તેને ‘મહારાષ્ટ્ર જેવા રાજ્ય માટે અયોગ્ય’ ગણાવ્યું હતું. ‘સમાજની સેવા કરવાના વિઝન સાથે વહીવટમાં જોડાવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજવાની જવાબદારી રાજ્યના નેતૃત્વની છે. રાજ્ય સરકારે તેમના માટે પોષક વાતાવરણ બનાવવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
પીઢ નેતાએ મહારાષ્ટ્ર સરકારને સંવેદનશીલ અભિગમ અપનાવવા અને એમપીએસસીના ઉમેદવારોના હિતમાં વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
એમપીએસસીના ઉમેદવારોએ પરીક્ષાના પરિણામોમાં અનિયમિતતા અને પારદર્શિતાના અભાવનો આરોપ લગાવીને ધરણા પ્રદર્શન કર્યું હતું, ઉપરાંત અન્ય માગણીઓ પણ ઉઠાવી હતી, જેના કારણે પોલીસે તેમની અટકાયત કરી હતી. (પીટીઆઈ)