‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર…’, સર્વપક્ષી પ્રતિનિધિમંડળને ‘બારાત’ કહેનારા સંજય રાઉતના શરદ પવારે કાન આમળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઓપરેશન સિંદૂરની સચ્ચાઈને દુનિયા સમક્ષ રાખવા અને પાકિસ્તાનના વાસ્તવિક સ્વરૂપને ઉજાગર કરવા માટે કેન્દ્ર સરકાર 32 દેશોમાં અલગ-અલગ સર્વપક્ષી પ્રતિનિધિમંડળો મોકલી રહી છે. આમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, ભૂતપૂર્વ પ્રધાનો અને રાજદૂતોનો સમાવેશ થાય છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સંજય રાઉત પર નિશાન સાધ્યું છે, જેમણે ગઈકાલે આ નિર્ણયની ટીકા કરી હતી અને પ્રતિનિધિમંડળની તુલના ‘બારાત’ સાથે કરી હતી.
શરદ પવારે સંજય રાઉત પર નિશાન સાધતા કહ્યું હતું કે ‘સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ન જોડવું જોઈએ.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આવા કિસ્સાઓમાં પક્ષના આધારે નિર્ણયો લેવામાં આવતા નથી. જ્યારે પી. વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા, ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્રમાં ગયું હતું અને હું પણ તે પ્રતિનિધિમંડળનો સભ્ય હતો.
એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સામે હોય છે, ત્યારે વ્યક્તિએ પાર્ટી લાઇન પર સ્ટેન્ડ ન લેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રે આઠ કે નવ પ્રતિનિધિમંડળો બનાવ્યા છે અને કેટલાક દેશોની પસંદગી કરવામાં આવી છે. પહલગામ હુમલા પછી પાકિસ્તાન જે કરી રહ્યું છે તેના પર ભારતનું વલણ શું છે તે જણાવવા માટે પ્રતિનિધિમંડળને વિદેશ પ્રવાસ પર મોકલવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે સંજય રાઉત જે કંઈ કહેવા માગે છે, તેમને તે કહેવાનો અધિકાર છે, પરંતુ કદાચ તેમના પક્ષના એક સભ્ય પ્રિયંકા ચતુર્વેદીનો પણ આ પ્રતિનિધિમંડળમાં સમાવેશ થાય છે. શરદ પવારે કહ્યું હતું કે સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડવું જોઈએ નહીં.
આ પણ વાંચો: સંજય રાઉતના પુસ્તકે રહસ્યો ખોલ્યાઃ રાજકીય વર્તુળોમાં ગાજી રાઉતની કલમ
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે રવિવારે પ્રતિનિધિમંડળ મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે આ ‘બારાત’ મોકલવાની શું જરૂર હતી. તેમણે કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનો પુત્ર વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશે. કેન્દ્ર સરકાર પર રાજકારણ રમવાનો આરોપ લગાવતા, રાઉતે ઇન્ડિ ગઠબંધનના નેતાઓને આ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. જોકે, આ પ્રતિનિધિમંડળમાં શિવસેના (યુબીટી), કોંગ્રેસ, એનસીપી (એસપી) અને ટીએમસી જેવા વિવિધ વિપક્ષી સાંસદોનો પણ સમાવેશ થાય છે.
હકીકતમાં, એકનાથ શિંદેના પુત્ર અને ત્રણ વખતના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સાત જણનું પ્રતિનિધિમંડળ યુએઈ, લાઇબેરિયા, કોંગો અને સિએરા લિયોનની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેમની સાથે બંસુરી સ્વરાજ (ભાજપ), ઈ. ટી. મોહમ્મદ બશીર (આઈયુએમએલ), અતુલ ગર્ગ (ભાજપ), સસ્મિત પાત્રા (બીજેડી), મનન કુમાર મિશ્રા (ભાજપ), ભૂતપૂર્વ પ્રધાન એસ. એસ. અહલુવાલિયા અને ભૂતપૂર્વ રાજદ્વારી સુજન ચિનોય પણ હશે.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું
આવી જ રીતે સુપ્રિયા સુલે, બૈજયંત પાંડા, રવિશંકર પ્રસાદ અને શશી થરૂરના નેતૃત્વમાં ચાર અલગ-અલગ પ્રતિનિધિમંડળ 23થી 25 મે દરમિયાન વિદેશ પ્રવાસ કરશે. શ્રીકાંત શિંદે, કનિમોઝી અને સંજય ઝાના નેતૃત્વમાં ત્રણ અલગ-અલગ પ્રતિનિધિમંડળ 21 થી 23 મે દરમિયાન વિદેશ પ્રવાસ કરશે.