શરદ પવાર જૂના નેતાઓ પણ લેશે દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો છે અને અનેક જગ્યાએ પૂર આવ્યા છે જેમાં લોકોના ઘર-પાક બરબાદ થયા છે, ત્યારે આવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે તથા ખેડૂતોને મદદ કરવામાં આવશે, એમ એનસીપી-એસપીએ બુધવારે જણાવ્યું હતું.
પૂર અને અતિવૃષ્ટિમાં જેઓના ઘરોને નુકસાન થયું છે, જેઓએ પોતાના ઊભા પાક ખોયા છે એવા ખેડૂતો-સ્થાનિકોની પીડાઓ સમજવાનો અમારો હેતુ છે, એમ પક્ષ તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું.
મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડાના છ જિલ્લામાં અતિવૃષ્ટિમાં ઓછામાં ઓછા આઠ જણનાં મોત થયા છે. આ સિવાય ગામો પાણી નીચે જતા રહ્યા છે, ૩૦,૦૦૦ હેક્ટર્સ જમીન પરનો પાક નાશ પામ્યો છે. સોલાપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
આ પણ વાંચો: મરાઠવાડામાં ભારે વરસાદની તબાહી: ૮ના મોત, સેંકડો ઘરો અને ખેતીવાડીને વ્યાપક નુકસાન
શરદપવાર જૂથની એનસીપીના નેતા શ્રીકાંત શિંદે બીડની, જયંત પાટીલ ધારાશિવ તથા હર્ષવર્ધન પાટીલ સોલાપુર જિલ્લાની મુલાકાત લેવાના છે. અનિલ દેશમુખ યવતમાળ અને વાશિમ, જિતેન્દ્ર આવ્હાડ નાંદેડ અને પરભણી, રાજેશ ટોપે જાલનાની, રાજેન્દ્ર શિંગણે અકોલા અને અહિલ્યાનગર, જયપ્રકાશ દાંડેગાંવકર હિંગોલી અને પ્રાજક્ત તાનપુરે જલગાંવની મુલાકાત લેશે, એમ પક્ષે એક નિવેદનમાં જણાવ્યું હતું.
પક્ષ તરફથી ખેડૂતો તથા અસરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય કરવાની માગણી કરવામાં આવી છે. લીલો દુકાળ જાહેર કરીને પ્રતિ હેક્ટરે ૫૦,૦૦૦ રૂપિયા આર્થિક વળતર આપવાની માગણી પક્ષના નેતા શ્રીકાંત શિંદેએ કરી હતી.