..તો શરદ પવાર જૂથને લાગી શકે મોટો ફટકો, વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ શકે
મુંબઈ: કૉંગ્રેસના મિલિંદ દેવરા અને અશોક ચવ્હાણ જેવા કદાવર નેતાઓ મહાયુતિમાં જોડાઇ ગયા છે ત્યારે પહેલાથી જ વિપક્ષની મહાવિકાસ આઘાડી (એમવીએ) મુસીબતમાં મૂકાયેલી છે, ત્યારે એનસીપીના દિગ્ગજ નેતા હવે ભાજપની છાવણીભેગા થવાની શક્યતા છે અને જો તેમ થાય તો શરદ પવાર જૂથને વધુ એક મોટો ફટકો પડી શકે છે. શરદ પવાર જૂથના અત્યંત નજીકના મનાતા દિગ્ગજ નેતા જયંત પાટીલ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાશે તેવી ચર્ચાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો લાવી દીધો છે.
શરદ પવાર જૂથમાંથી જો જયંત પાટીલ જેવા મોટા કદના નેતાની બાદબાકી થાય તો આગામી ચૂંટણીઓમાં ફક્ત શરદ પવાર જૂથને જ નહીં, પણ આખા વિપક્ષના ગઠબંધનને મોટો ફટકો પડી શકે છે. શરદ પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ ભાજપમાં જોડાઈ શકે છે. જયંત પાટીલ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની ઈસ્લામપુર વાલવા સીટના વિધાનસભ્ય છે, જ્યારે અનેક વખત મહારાષ્ટ્રની કેબિનેટના પ્રધાન પણ રહી ચૂક્યા છે. જો તેઓ ભાજપમાં જોડાય તો સાંગલી, કોલ્હાપુર પશ્ચિમ મહારાષ્ટ્રમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.
સોમવારે સવારથી જ જયંત પાટીલ ભાજપના સંપર્કમાં હોવાની વાતોએ જોર પકડ્યું છે જેને પગલે આખરે જયંત પાટીલે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી કે પોતે ભાજપમાં જોડાઇ રહ્યા નથી. આમ છતાં આ ચર્ચા શાંત થઇ નથી, કારણ કે એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા તેમ જ કેબિનેટ પ્રધાન દીપક કેસરકરે પણ જયંત પાટીલ પક્ષપલટો કરવાનું હોવાનું નિવેદન આપ્યું હતું. છઠ્ઠી ઓગસ્ટ, 2023ના જયંત પાટીલને લઈને વિવિધ અટકળો વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, પરંતુ એ વાતનું તેમણે ખંડન કર્યું હતું.