શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…
મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું અને તેમાં અપેક્ષા મુજબ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ-સામાન્ય વર્ગને દિલાસો આપતી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, વિપક્ષ દ્વારા સતત આ બજેટની ટીકા કરવામાં આવી રહી છે. એનસીપી(શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે પણ પત્રકાર પરિષદ યોજીને શિંદે સરકારના બજેટનો વખોડ્યું હતું. જોકે, આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિનંતી કરી હતી જે આશ્ચર્યજનક માનવામાં આવી રહી છે.
શરદ પવારે નરેન્દ્ર મોદીને વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વધુને વધુ પ્રચાર સભાઓ સંબોધવાની વિનંતી કરી છે. શરદ પવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં 18 સભાઓ યોજી હતી અને તેમાંથી 14 બેઠકો પર મહાયુતિના ઉમેદવારોનો પરાભવ થયો હતો. એટલે મારી વિનંતી છે કે તે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધે.
બજેટની ટીકા કરતા પવારે જણાવ્યું હતું કે જમા રકમનો વિચાર ન કરતા ખર્ચની જાહેરાતો કરવામાં આવી છે. જો હું કોઇ વસ્તુ પાછળ 100 રૂપિયાનો ખર્ચ કરીશ એમ કહુ અને મારા ખિસ્સામાં ફક્ત 70 રૂપિયા હોય તો હું 100 રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરી શકું? પહેલો પ્રશ્ન કે તમારી મહેસૂલી આવક કેટલી છે અને મહેસૂલી ખર્ચ કેટલો થશે? હવે આવક કરતાં ખર્ચ વધુ હોય તો તે બાકીની રકમ ક્યાંથી કાઢશો?, એવો પ્રશ્ન પવારે પૂછ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રમાં મહાયુતિની લોકસભાની ચૂંટણી જેવી જ હાલત થશે તેમ કહેતા પવારે જણાવ્યું હતું કે મોદીની ગેરેંટી ચાલી નથી અને લોકો તેમના કારભારથી નાખુશ છે. લોકસભા જેવી પરિસ્થિતિ વિધાનસભામાં જોવા મળશે તો સત્તા પરિવર્તન ચોક્કસ જોવા મળશે, એમ પવારે જણાવ્યું હતું.