મહારાષ્ટ્ર

ફડણવીસે તપાસ કરવી જોઈએ, તથ્યો બહાર લાવવા જોઈએ: શરદ પવાર…

અકોલા: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે તેમના પૌત્ર-ભત્રીજા પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા વિવાદાસ્પદ જમીન સોદાની તપાસને સમર્થન આપ્યું હતું.
‘મુખ્ય પ્રધાને જાહેરમાં કહ્યું છે કે આ મામલો ગંભીર છે. તેથી તેમણે તપાસ કરાવવી જોઈએ અને હકીકતો સમાજ સમક્ષ મૂકવી જોઈએ,’ એમ શરદ પવારે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું.

આ વિવાદ પુણેના મુંઢવા વિસ્તારમાં 40 એકર સરકારી જમીનના કથિત ગેરકાયદે વેચાણ સાથે સંબંધિત છે, જેનું બજાર મુલ્ય આશરે રૂ. 1,800 કરોડ હોવાનું કહેવાય છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ સાથે સંકળાયેલી કંપની દ્વારા સ્ટેમ્પ ડ્યુટી માફી સાથે માત્ર 300 કરોડ રૂપિયામાં આ જમીન ખરીદવામાં આવી હતી.
અજિત પવારે આ વ્યવહારથી પોતાને દૂર રાખ્યા છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના ભત્રીજા અજિત પવારને મહાયુતિમાં સાથીઓ દ્વારા રાજકીય રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે સિનિયર પવારે કહ્યું હતું કે, ‘મને ખબર નથી.’ જોકે મહત્ત્વની બાબત એ છે કે શરદ પવાર તેમની પુત્રી અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુળે દ્વારા પાર્થ પર કરાયેલી ટિપ્પણી સાથે સહમત ન હોવાનું જણાય છે. સુળેએ કહ્યું હતું કે તેમને નથી લાગતું કે પાર્થ કશું ખોટું કરી શકે.

‘આ તેમનો (સુપ્રિયા)નો વ્યક્તિગત મત હોઈ શકે છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારપુર્વક કહ્યું હતું કે, વહીવટ, રાજકારણ અને પરિવાર અલગ અલગ રાખવા જોઈએ. ‘એક પરિવાર તરીકે, અમે (પવાર) એક છીએ, પરંતુ અમે વૈચારિક રીતે વિભાજિત છીએ. મારા એક પૌત્ર-ભત્રીજાએ અજિત પવાર સામે ચૂંટણી લડી હતી અને અજિત પવારની પત્નીએ મારી પુત્રી સામે ચૂંટણી લડી હતી,’ એમ તેમણે કહ્યું હતું.

પીઢ રાજકારણીએ એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેની રણનીતિ સર્વાનુમતે (મહા વિકાસ આઘાડીના સાથીઓ દ્વારા) નક્કી કરવામાં આવશે. ‘અમે (એનસીપી-એસપી) આવતીકાલે (રવિવારે) એક બેઠક કરી રહ્યા છીએ અને અમારી રણનીતિ અને અમારા જૂથમાં નવા ભાગીદારોને સામેલ કરવા અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે, એમ પવારે કહ્યું હતું.

તેમણે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસેને વિપક્ષી છાવણીમાં સાથે લેવાનો પણ સંકેત આપ્યો.
‘જો એમવીએમાં સર્વસંમતિ દ્વારા સારો વિકલ્પ આવે તો કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પર કઠોર વલણ ન અપનાવવું જોઈએ અને તેને સાથે લેવા વિશે વિચારવું જોઈએ. અમે આ અંગે ચર્ચા કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.

પૂર્વ કેન્દ્રીય પ્રધાને મહાયુતિ સરકારના કાર્યકાળમાં ખેડૂતોની દુર્દશા, પાકના નુકસાન અને દેવા સામે ઝઝૂમી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી હોવા છતાં સરકાર તેની કોઈ ચિંતા કરતી નથી એવું તેમણે કહ્યું હતું. ‘છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યમાં મહેનતુ લોકો અને ખેડૂતોનો સમાવેશ થતો હતો. શિવાજી મહારાજ હંમેશા ખેડૂતોની સંભાળ રાખતા હતા. જોકે, હવે એવું થતું નથી. ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલી મદદ હજુ સુધી ઘણા ખેડૂતો સુધી પહોંચી નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાતને છેતરપિંડી સમાન ગણાવતા, પવારે કહ્યું કે એપ્રિલમાં કમોસમી વરસાદ માટે નાણાકીય સહાય મેળવનારા ખેડૂતોને હવે કશું મળ્યું નથી. ‘ખેડૂત લોન માફીની જાહેરાત ભ્રામક લાગે છે,’ એમ પવારે જણાવ્યું હતું.


એનડીએ બિહાર ચૂંટણીમાં હારી જાય તો આશ્ર્ચર્ય થશે નહીં: પવાર

અકોલા
: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે કહ્યું હતું કે જો ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હારી જાય તો તેમને કોઈ આશ્ર્ચર્ય થશે નહીં, કારણ કે પૂર્વના રાજ્યના લોકો પરિવર્તન ઇચ્છે છે.

શનિવારે પત્રકારોને સંબોધતાં પવારે કહ્યું હતું કે બિહાર દેશના બાકીના વિસ્તારોથી અલગ રાજ્ય છે અને ભારતીય રાજકારણમાં કેટલાક નિર્ણાયક ક્ષણો જોયા છે. વરિષ્ઠ રાજકારણીએ કહ્યું કે, તેમણે બિહારમાં પ્રચાર કર્યો નથી, પરંતુ બિહારમાં તેમના સંપર્કો તરફથી મળેલા પ્રતિસાદ મુજબ, એનડીએ સત્તા ગુમાવે તો તેમને આશ્ર્ચર્ય થશે નહીં.

આ અઠવાડિયાની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બિહારમાં 65.08 ટકા મતદાન થયું, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ છે. શાસક એનડીએના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના બે દાયકાના શાસન પર આધાર રાખીને રાજ્યમાં સત્તા જાળવી રાખવાની આશા રાખી રહ્યું છે, જ્યારે આરજેડીના નેતૃત્વ હેઠળના વિપક્ષ કુશાસન અને નોકરીના વચનોનો ઉલ્લેખ કરીને મત માગી રહ્યું છે.

પવારે મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા બદલ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ)એ કોંગ્રેસના નેતાની ફરિયાદોની નોંધ લેવી જોઈએ અને તે મુજબ કાર્યવાહી કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…મહારાષ્ટ્રની સરકારના વધુ એક પ્રધાન જમીન ખરીદી વિવાદમાં ફસાયા…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button