…લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?

મુંબઈ: છેલ્લાં અમુક વખતથી પુણેમાં કોયતા ગેંગના આતંક અને ડ્રગ્ઝના દૂષણના ઘણા સમાચારો વહેતા થાય છે અને આ મુદ્દે શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના અધ્યક્ષ શરદ પવારે સરકારની ટીકા કરી હતી.
ભૂતપૂર્વ વિધાનસભ્ય બાપુસાહેબ પઠારેએ પુણેના ખરાડી ખાતે શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો એ દરમિયાન બોલતા શરદ પવારે કહ્યું હતું કે આજે જે લોકોના હાથમાં સત્તા છે તે લોકોએ પુણે માટે શું કર્યું? હું દેશના કામ માટે દિલ્હી જાવ છું ત્યારે મહારાષ્ટ્રના સાચાર પત્રો મંગાવું છું અને ટીવી પર ન્યુઝ જોઉં છું ત્યારે મને શું જાણવા મળે છે? પુણે વિશે વાત કરું તો લોકો પૂછે છે કે પુણેની વિશેષતા શું છે. તો કહે કે કોયતા ગેંગ.
તેમણે ડ્રગ્ઝના દૂષણ વિશે વાત કરતા કહ્યું હતું કે આજની નવી પેઢી શું કરે છે મને ખબર નથી. કોઇ ગોળીઓ ખાય છે અને એ ખાઇને જાણે ચંદ્ર પર પહોંચી જાય છે. કોયતા ગેંગ, ડ્રગ્ઝનો વ્યવહાર આ બધુ દૂષણ પુણે અને તેની આસપાસના વિસ્તારમાં દિવસે દિવસે વધતુ જાય છે.
પુણે પોર્શ કાંડની વાત કરતા તેમણે કહ્યું હતું કે અહીંના એક વિધાનસભ્ય સુનીલ ટીંગરે જ્યારે ઇમ્પોર્ટેડ ગાડી બે યુવાનોની બાઇકને ટક્કર મારી તેમનું મોત નીપજાવે છે ત્યારે તેમની મદદ કરવાના બદલે પોલીસ સ્ટેશન જાય છે. શું એ માટે લોકો પાસેથી મત માગ્યા હતા? તું રાષ્ટ્રવાદી કૉંગ્રેસ છોડીને ગયો તે ઠીક છે લોકો તારો બંદોબસ્ત કરશે તેની ચિંતા નથી, પરંતુ ખોટી વસ્તુને ટેકો આપવો ન જોઇએ.
ઉલ્લેખનીય છે કે સુનીલ ટિંગરે શરદ પવાર જૂથના વિધાનસભ્ય હતા, પરંતુ તેમણે પક્ષના ભાગલા પડ્યા ત્યારે અજિત પવાર જૂથ સાથે જવાનું પસંદ કર્યું હતું.