બધી જ મુલાકાતો રદ કરી શરદ પવારે અજિત પવાર સાથે એક કલાક વાતચીત કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

બધી જ મુલાકાતો રદ કરી શરદ પવારે અજિત પવાર સાથે એક કલાક વાતચીત કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તન લાવવામાં કેન્દ્ર સ્થાને હંમેશાં એનસીપીના નેતા શરદ પવાર રહ્યા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં ઘણીવાર તેમણે અપસેટ સર્જ્યો છે અને સરકારો પાડવામાં અને ઊભી કરવામાં તેમની ડિપ્લોમસી કામ કરી ગઈ છે, આથી તેમની એક એક ગતિવિધિ પર રાજ્ય અને દેશના રાજકીય વર્તુળો ધ્યાન રાખતા હોય છે.
છેલ્લા બે દિવસથી શરદ પવાર બીમાર છે અને તેમણે પોતાની બધી મુલાકાતો રદ કરી છે, તેમ જ તેમણે ક્યાંય ન જતા મુંબઈના વરલી સ્થિત સિલ્વર ઓકમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ ગઈકાલે સાંજે તેઓ મંત્રાલય પાસે આવેલા વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં ખાસ આવ્યા હતા.

આવવાનું કારણ રાજ્યના ઉપમુખ્ય પ્રધાન અજિત પવારને મળવાનું હતું. આ કાકા-ભત્રીજા અલગ થયા પછીની પહેલી મુલાકાત છે, જે એક કલાક ચાલી અને બંધ બારણે થઈ હતી. અજિત પવારે 2022માં કાકા શરદ પવારની પાર્ટીમાં ભંગાણ કરી ભાજપ-શિવસેના (એકનાથ શિંદે) સાથે જોડાણ કરી મહાયુતી સરકારમાં સત્તા ભોગવી. 2024માં પણ સાથે ચૂંટણી લડી અને હાલમાં સત્તામાં છે, પરંતુ સતત એવો ગણગણાટ ચાલે છે કે પવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીક હોવા છતાં ભાજપ અને શિંદેસેનાથી સતત નારાજ છે. દેવેન્દ્ર-શિંદે સાથે દેખાય છે, પરંતુ અજિત પવાર અળગા ચાલે છે.

અજિત પવાર મહાયુતીથી અળગા ચાલે છે…

આ બધા વચ્ચે શરદ પવાર સાથેની તેમની મુલાકાત સ્વાભાવિક સૌનું ધ્યાન ખેંચે છે. આ મુલાકાત શૂગર ફેક્ટરી એસોસિયેશનની વાર્ષિક બેઠક અંગે ચર્ચા કરવા આ બેઠક થઈ હોવાનું કહેવાય છે, પરંતુ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે.
અગાઉ બન્ને નેતા આ રીતે અમુક કાર્યક્રમોમાં એક મંચ પર આવ્યા છે અને અન્ય લોકોની હાજરીમાં એકબીજાને મળ્યા છે, પરંતુ બીમાર હોવા છતાં શરદ પવાર અજિત પવારને આ રીતે બંધ બારણે મળે તેવું બન્યું નથી.

અજિત પવાર અને સુપ્રિયા સુળે વચ્ચે મનમેળ ન હોવાની વાતો બહાર આવે છે, પરંતુ રાજકારણમાં આ બધુ બાજુએ મૂકી સત્તા માટે હાથ મિલાવતા વાર લાગતી નથી. નજીક આવી રહેલી મુંબઈની ચૂંટણી સાથે એનસીપીને વધારે લેવા દેના નથી કારણ કે એનસીપી એક હતી અને કૉંગ્રેસ સાથે સત્તામાં હતી ત્યારે પણ મુંબઈ તરફ દુર્લક્ષ જ કર્યું છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં ગ્રામીણ મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં એનસીપીનો દબદબો કાયમ છે.

ખેડૂતોનો મુદ્દો મહત્વનો

તાજેતરમાં મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને તેને લીધે ખેડૂતોને થેયલા પારાવાર નુકસાનનો મુદ્દો ગંભીર બન્યો છે. શરદ પવાર દેશના કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે અને ખેડૂતોના મુદ્દાઓને હજુ પણ એટલા જ ચર્ચામાં લાવતા રહે છે. ખેડૂતોની નારાજગી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈને પોષાય તેમ નથી. ભાજપ, એનસીપી અને શિવસેના યુતી સરકારના ત્રણેય પક્ષોના વિધાનસભ્યો ખેડૂતોને મદદની, લીલા દુષ્કાળ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે, ત્રણેય પક્ષમાં નારાજગી છે અને ત્રણેય પક્ષો વચ્ચે પણ તાલમેલ નથી ત્યારે આ મુલાકાત રાજ્યના રાજકારણમાં કોઈ પરિણામ લાવશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો…ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button