આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવાર એક્ટિવ મોડમાં: અજિત પવારના પક્ષમાં અને ભાજપમાં છીંડા પાડશે

ચાર મોટા માથા સાધ્યાં: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ માટે મોટું સંકટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેમને પોતાના રાજકીય ગુરુનો દરજ્જો આપે છે તે ‘સ્ટ્રોન્ગ મરાઠા મૅન’ એનસીપી સુપ્રીમો શરદ પવાર 83 વર્ષની વયે ફરી એક વખત રાજકીય અખાડામાં પૂરી તાકાત સાથે ઉતર્યા છે. શરદ પવારે જે રીતે પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં મહાયુતિના નેતાઓને લોકસભા ચૂંટણીમાં પોતાની સાથે લીધા હતા, એનું પુનરાવર્તન એટલે કે ‘મિશન તુતારી’ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (એમવીએ)એ 48માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને મોટો આંચકો આપ્યો હતો. અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢની મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી. પાર્ટીના વિભાજન પછી પણ જે રીતે શરદ પવારે લોકસભાની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી તેને જોતાં હવે બધાની નજર આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. શરદ પવાર અજિત પવાર જૂથના અને ભાજપના નેતાઓને પોતાના પક્ષમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. શરદ પવારે તેમના મિશનની શરૂઆત કોલ્હાપુરથી કરી છે.

શરદ પવાર હવે કોલ્હાપુરના કાગલ મતવિસ્તારમાં અજિત પવારના પ્રધાન સામે ભાજપના બળવાખોર નેતા સમરજિત સિંહ ઘાટગેને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. 3 સપ્ટેમ્બરે સમરજિત સિંહ ઘાટગે સત્તાવાર રીતે એનસીપી (શરદચંદ્ર પવાર)માં જોડાશે. કોલ્હાપુરના ગેબી ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખુદ સમરજિત સિંહ ઘાટગેએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં કોલ્હાપુરના કાગલ બાદ હવે શરદ પવાર પોતાના ભત્રીજા અજિત પવાર અને ભાજપને સાતારાની વાઈ, સોલાપુરની માઢા, પુણેની ઈંદાપુર અને જુન્નરની બેઠક પરથી હરાવવા માટે નવી વ્યૂહરચના અપનાવતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ‘મહિલાઓને ન્યાય અપાવવા માટે લડવું એ કોંગ્રેસની નૈતિક ફરજ છે’ રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પત્ર લખ્યો

કોલ્હાપુરમાં સમરજિત સિંહ ઘાટગે
કોલ્હાપુરમાં રાજર્ષી શાહુ મહારાજના પરિવાર સાથે સંકળાયેલા સમરજિત સિંહ ઘાટકે અહીંથી ભાજપના ઉમેદવાર હતા અને આ બેઠક પર તેમનો અજિત પવારના મિનિસ્ટર હસન મુશ્રીફ સામે પરાજય થયો હતો, હવે બેઠકોની સમજૂતી મુજબ વર્તમાન વિધાનસભ્યને ઉમેદવારી આપવાનું નક્કી થઈ ગયું હોવાથી આ બેઠક એનસીપી અજિત પવારને મળશે અને તેથી ઘાટગે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ખાસ હોવા છતાં ઉમેદવારી મેળવી શકશે નહીં, આથી જ તેઓ શરદ પવાર સાથે જોડાઈ રહ્યા છે.

સાતારાના વાઈથી મકરંદ પાટીલ
કોલ્હાપુરની બેઠકનો ફટકો માર્યા પછી શરદ પવારની પાર્ટીએ હવે સાતારા જિલ્લામાં આવેલા વાઈ મતદાર સંઘ પર પોતાની નજર દોડાવી છે. શરદ પવારના સખત વિરોધી કૉંગ્રેસના નેતા પ્રતાપરાવ ભોસલેના પુત્ર મદન ભોસલેને ફોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આથી જ પાર્ટીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલ મકરંદ પાટીલને મળવા ગયા હતા. 2004માં આ બેઠક પરથી મદન ભોસલે વિધાનસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ પછી શરદ પવારની પાર્ટીના નેતા મકરંદ પાટીલે અહીં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું, પરંતુ તેઓ હવે અજિત પવાર સાથે જોડાઈ ગયા હોવાથી શરદ પવાર જ હવે મદન ભોસલેને પોતાની સાથે લઈને અજિત પવારને ફટકો મારવાની તૈયારીમાં છે. મદન ભોસલે 2019થી ભાજપમાં છે અને આમ ભાજપને પણ ફટકો પડશે.

માઢામાં બબન શિંદેનું સ્વગૃહે પુનરાગમન?
સાતારા પછી માઢા વિધાનસભા વિસ્તારમાં પણ શરદ પવારની નજર ગઈ છે. અહીં છ વખતથી વિધાનસભ્ય રહેલા બબન શિંદે અજિત પવાર જૂથમાં જોડાઈ ગયા હતા. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બબન શિંદે અને તેમના પુત્ર રણજિત સિંહે શરદ પવારની પુણેના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આના પરથી એવું લાગી રહ્યું છે કે બબન શિંદે આ વખતે પોતાના પુત્ર રણજિતને માઢામાંથી મેદાનમાં ઉતારી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે બબન શિંદેના ભત્રીજા ધનરાજ પણ શરદ પવારની પાર્ટીના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં અજિત પવાર સાથે રહીને જોખમ લેવાને બદલે બબન શિંદે સ્વગૃહે પુનરાગમન કરશે.

આ પણ વાંચો ; એકનાથ શિંદેનો માસ્ટર સ્ટ્રોક!

ઈંદાપુરના ભાજપી નેતા હર્ષવર્ધન પાટીલનું હાઈજેક
ઈંદાપુરના નેતા હર્ષવર્ધન પાટીલ 1995થી 2009 સુધી અપક્ષ તરીકે વિધાનસભામાં ચૂંટાઈ આવતા હતા. 2014માં ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને એક સમયે કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા હતા, પરંતુ 2014માં કૉંગ્રેસ એનસીપીનું ગઠબંધન તૂટી જતાં અજિત પવારે હર્ષવર્ધન પાટીલના ગઢમાં ગાબડું પાડવા માટે દત્તા ભરણેને મેદાનમાં ઉતાર્યા અને જીતાડી દીધા. એવું કહેવાય છે કે 2019ની ચૂંટણીમાં સુપ્રિયા સુળેને મદદ કરવાના બદલામાં ઈંદાપુરની બેઠક છોડવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી વખતે તેમણે દગો આપીને ફરી એક વખત દત્તા ભરણેને મેદાનમાં ઉતાર્યા હતા. આથી જ જ્યારે લોકસભાની ચૂંટણીમાં અજિત પવારની પત્ની ઊભી રહી ત્યારે અત્યારે ભાજપમાં રહેલા હર્ષવર્ધન પાટીલે બળવો કરવાની તૈયારી દાખવી હતી. ફડણવીસની મધ્યસ્થી બાદ તેઓ શાંત થઈ ગયા હતા, પરંતુ આ વખતે ફરી એક વખત દત્તા ભરણે પાછીપાની કરવા તૈયાર ન હોવાથી હર્ષવર્ધન પાટીલ નારાજ છે, બીજી તરપ સુપ્રિયા સુળે હર્ષવર્ધન માટે સહાનુભૂતિની ભાષા બોલી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે શરદ પવાર ઈશારામાં હર્ષવર્ધનને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. આ ભાજપ અને અજિત પવાર બંનેને ફટકો પડી શકે છે.

જુન્નરમાં અતુલ બેનકે?
લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારથી અજિત પવાર જૂથના વિધાનસભ્ય અતુલ બેનકે શરદ પવારની પાર્ટીમાં જોડાવા તત્પર છે. સંસદસભ્ય અમોલ કોલ્હે તેમના માર્ગમાં અવરોધ બનીને ઊભા છે. અત્યાર સુધીમાં અતુલ બેનકે ત્રણ વખત શરદ પવારને મળી ચૂક્યા છે. અતુલ બેનકેના પિતા વલ્લભ બેનકે ચાર વખત અહીંથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ શરદ પવારના નજીકના માનવામાં આવે છે. હવે જોવાનું છે કે પિતાની નજદીકીનો ફાયદો અતુલ બેનકેને મળે છે કે નહીં. તેમની વિદાય પણ અજિત પવારને મોટો ફટકો પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button