મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?
મુંબઈ: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહનું આમંત્રણ ફગાવવા બદલ સમાચારોમાં છવાયેલા ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતર્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસઘાતનો ભોગ બનેલા ગણાવ્યા હતા.
મુંબઈ ખાતે આવેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે જઇને તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે અને ઘણા લોકો તેનાથી દુ:ખી થયા છે. તેમણે કરેલી વિનંતીને પગલે હું આજે તેમને મળ્યો હતો, જ્યાં સુધી તે ફરી મુખ્ય પ્રધાન નહીં બને ત્યાં સુધી લોકોનું દુ:ખ દૂર નહીં થાય.
ઉદ્ધવ સાથેની મુલાકાત અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવે કહ્યું કે તે અમારા આશીર્વાદ મુજબ જે જરૂરી હશે તે બધુ જ કરશે. જે વિશ્ર્વાસઘાત કરે છે તે હિંદુ ન હોઇ શકે. જે વિશ્ર્વાસઘાત સહન કરે છે તે હિંદુ હોય છે. ઉદ્ધવ સાથે થયેલા વિશ્ર્વાસઘાતથી આખું મહારાષ્ટ્ર રોષે ભરાયેલું છે અને તેનું પ્રતિબિંબ હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં દેખાયું હતું.
પોતાને રાજકારણ સાથે કંઇ લેવા દેવા ન હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે અમારે રાજકારણ સાથે નિસ્બત નથી, પરંતુ આપણે વિશ્ર્વાસઘાતની વાત કરી રહ્યા છે જે ધર્મ મુજબ એક પાપ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રને ટૂંક સમયમાં મળી શકે નવા રાજ્યપાલ
ઉલ્લેખનીય છે કે માતોશ્રી ખાતે થયેલી પૂજામાં શંકરાચાર્ય હાજર રહ્યા હતા. તેમણે 10 જુલાઇના રોજ દિલ્હીમાં કેદારનાથ મંદિરના શિલાન્યાસ અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેદારનાથનું સરનામું જ્યારે હિમાલય છે તો તે દિલ્હી કઇ રીતે હોઇ શકે? શા માટે તમે લોકોને ભરમાવો છો, એવો સવાલ તેમણે કર્યો હતો.