પરિવહન મંત્રી સરનાઈકે ગુણવત્તાયુક્ત પરિવહન સેવાનું વચન આપ્યું
સમયસર ભંડોળની ફાળવણી એમએસઆરટીસીને નુકસાન ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકને આઈએએસ અધિકારી સંજય સેઠીને આ પદેથી વિદાય આપ્યા બાદ રાજ્ય સંચાલિત કોર્પોરેશન એમએસઆરટીસીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગુરુવારે એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રાજ્ય પરિવહન નિગમ અધિનિયમ-1950 અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના નિયમોની જોગવાઈઓ અનુસાર સરનાઈકને એમએસઆરટીસીના 26મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
‘હું ભવિષ્યમાં મહારાષ્ટ્રના સામાન્ય લોકોની ‘લોકવાહિની’ (જાહેર વાહક) એમએસઆરટીસીને નાણાકીય રીતે સશક્ત બનાવીને સારી ગુણવત્તાવાળી પરિવહન સેવા બનાવવા માટે પ્રતિબદ્ધ છું,’ એમ સરનાઈકે તેમની નિમણૂક પછી કહ્યું હતું.
પાંચમી ફેબ્રુઆરીના રોજ, તત્કાલીન પરિવહન સચિવ, જે એક વધારાના મુખ્ય સચિવ કક્ષાના અધિકારી હતા, તેમને એમએસઆરટીસીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં ‘પોડ કાર પ્રોજેક્ટ’ની શરૂઆત મીરા-ભાયંદરથી કરાશેઃ સરનાઈકની જાહેરાત
સેઠી એમએસઆરટીસીના બોર્ડમાં પદાધિકારી તરીકે સભ્ય તરીકે ચાલુ રહેશે.
એમએસઆરટીસી લગભગ 14,000 બસોનો કાફલો ચલાવે છે, જે દરરોજ લગભગ 55 લાખ મુસાફરોને સેવા પૂરી પાડે છે અને લગભગ 90,000 લોકોનું કાર્યબળ ધરાવે છે.
ભારતના સૌથી મોટા જાહેર પરિવહન સાહસોમાંના એક એમએસઆરટીસી તાજેતરના વર્ષોમાં વધતા નુકસાન, જૂના કાફલા, કર્મચારીઓની હડતાળ અને ઘટી રહેલા મુસાફરો જેવી સમસ્યાનો સામનો કરી રહી છે. દૈનિક નાણાકીય નુકસાનને ઓછું કરવા માટે, કોર્પોરેશને આ વર્ષની શરૂઆતમાં 14.95 ટકા ભાડામાં વધારો લાગુ કર્યો હતો.
મહારાષ્ટ્ર પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે સરકારી સબસિડી, ખાસ કરીને મુસાફરોના પસંદગીના જૂથોને આપવામાં આવતી છૂટછાટો સંબંધિત, પ્રાપ્ત કરવામાં વિલંબથી રાજ્ય સંચાલિત એમએસઆરટીસીના આર્થિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ને તેના નાણાકીય નુકસાનને દૂર કરવા માટે રાજ્યના નાણાં વિભાગ તરફથી સમયસર ભંડોળ ફાળવવું મહત્વપૂર્ણ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં કેબિનેટ સભ્ય બન્યા પછી પાલઘર જિલ્લામાં તેમનો પહેલો ‘લોક દરબાર’ (મંત્રીઓ અથવા અધિકારીઓની નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરતી બેઠક) યોજ્યા બાદ સરનાઈક બુધવારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
આ પણ વાંચો: દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
‘જો નાણાં વિભાગ દ્વારા સમયસર ભંડોળનું વિતરણ કરવામાં આવે તો એમએસઆરટીસી દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય છે. એવા કિસ્સાઓ છે કે વિલંબિત ચુકવણીઓ અમારા (નિગમ) માટે ગંભીર કાર્યકારી પડકારો ઉભી કરે છે,’ એમ શિવસેનાના પ્રધાને કહ્યું હતું.
સરનાઈકે કહ્યું હતું કે તેમણે આ મુદ્દો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સમક્ષ ઉઠાવ્યો છે, જેઓ નાણાં વિભાગ ધરાવે છે અને વિનંતી કરી છે કે એમએસઆરટીસીને અન્ય વિભાગોની જેમ ભંડોળ ફાળવણીમાં સમાન પ્રાથમિકતા મળે.
રાજ્યના મોટા શહેરો અને દૂરના વિસ્તારોને જોડતી એમએસઆરટીસી હાલમાં 14,300 બસોનો કાફલો ચલાવે છે. જાન્યુઆરીમાં સરનાઈકે જણાવ્યું હતું કે કોર્પોરેશન આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 5,000 બસો ખરીદશે જેથી તેનો કાફલો વધી શકે.
દેશની સૌથી મોટી પરિવહન નિગમ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને તેની બસોમાં ભાડામાં ડિસ્કાઉન્ટ આપે છે.