Seat Sharing મુદ્દે એમવીએમાં ખેંચાખેંચી યથાવતઃ સંજય રાઉતે કોંગ્રેસના નેતાઓ માટે કર્યું આ નિવેદન

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) વચ્ચે સીટ શેરિંગનો પ્રશ્ન ઉકેલાયો નથી. હવે સીટ શેરિંગ મુદ્દે શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે.
આજે પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નિર્ણય લેવામાં સક્ષમ નથી. કોંગ્રેસના નેતાઓએ યાદી વારંવાર દિલ્હી મોકલવી પડે છે અને પછી ચર્ચાઓ થાય છે. તેમણે કહ્યું કે સમય વીતી રહ્યો છે, હવે ઘણો ઓછો સમય છે. તેમણે હવે બેઠક વહેંચણી અંગે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે સીધી ચર્ચા કરવાનું કહ્યું છે.
કહ્યું છે કે સવારે મુકુલ વાસનિક સાથે વાત કરી હતી. આજે હું રાહુલ ગાંધી સાથે જે બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લઈ શક્યા નથી તેના વિશે વાત કરીશ. તેમણે કહ્યું કે અમે વહેલી તકે નિર્ણય ઈચ્છીએ છીએ. સંજય રાઉતે કહ્યું કે એનસીપી અને શિવસેના વચ્ચે મતભેદ નથી. કોંગ્રેસમાં પણ નથી પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જેના પર ત્રણેય પક્ષો દાવો કરી રહ્યા છે.
અમે આ મામલે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ ચર્ચા કરી હતી. આજે સવારે અમારી પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી, તેમને સઘળી માહિતી આપી હતી. તેમના તરફથી કેટલીક સૂચનાઓ મળી છે જેનું અમે પાલન કરીશું.
અમને આશા છે કે આ મામલો જલ્દી ઉકેલાઈ જશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેના જિદ્દી વલણ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે શિવસેના સાથે આવું વલણ કોઈ ન રાખી શકે, આ શિવસેના છે. નાના પટોલે અમારા મિત્ર છે. કેટલીક બેઠકો પર ચોક્કસપણે મતભેદો છે અને તેને ઉકેલવામાં આવશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અને પ્રવક્તા પવન ખેડાએ સંજય રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે સંજય રાઉતના નેતા ઉદ્ધવ ઠાકરે છે, અમારા નેતા રાહુલ ગાંધી છે અને એનસીપીના નેતા શરદ પવાર છે. અમે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સીટ શેરિંગમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપીએ છીએ. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે શું સંજય રાઉત જે પણ કરે છે તે તેમનો નિર્ણય હોય છે? પવન ખેડાએ કહ્યું છે કે સીટ શેરિંગ સમયે સ્પીડ બ્રેકર આવે છે. વાતચીત દ્વારા રસ્તો શોધી કાઢવામાં આવશે અને અમે આનો ઉકેલ લાવીશું.
એમવીએમાં સીટશેરિંગ અંગે સંજય રાઉતના નિવેદન પર કટાક્ષ કરતા, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા લોકો માતોશ્રી પર ચર્ચા કરવા આવતા હતા. હવે ઉદ્ધવ ઠાકરે આઘાડી નેતાઓની સામે કટોરો લઈને ફરે છે.
તેમણે કહ્યું હતું કે બાળ ઠાકરેએ ભાજપ અને શિવસેનાને મજબૂત કરી હતી. શરદ પવારે શિવસેનાને ભાજપથી દૂર કરી દીધી. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠક માટે ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને ૨૩ નવેમ્બરે પરિણામ આવશે.