મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી: રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે મહિલાઓ વિરુદ્ધના તાજેતરના ગુનાઓ અંગે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા, રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં કાયદાનો કોઈ ડર નથી અને આરોપ લગાવ્યો કે ફડણવીસના નેતૃત્વ હેઠળનો ગૃહ વિભાગ ‘બિનસંવેદનશીલ રીતે’ કામ કરી રહ્યો છે.
રાજ્યસભા સાંસદની ટિપ્પણી સાતારામાં એક મહિલા ડોક્ટરની આત્મહત્યા અને મુંબઈમાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા 24 વર્ષની મહિલાની હત્યાના પગલે આવી છે.
આ પણ વાંચો: રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?
‘દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કે મહિલા સુરક્ષા પર ધ્યાન આપ્યું નથી. તેમનું ધ્યાન વિપક્ષ સાથે રાજકારણ કરવા અને તેમની સામે પોલીસ મશીનરીનો ઉપયોગ કરવા પર છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘ગૃહ વિભાગ વિપક્ષી નેતાઓ પર દેખરેખ રાખવા, તેમના ફોન ટેપ કરવા અને તેમની પાછળ પોલીસ કર્મચારીઓ તૈનાત કરે છે. જો પોલીસને પક્ષના સેવકો તરીકે કામ કરાવવામાં આવે, તો આવી ઘટનાઓ (અનિચ્છનીય હિંસા) બનતી રહે છે,’ એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં મહિલા પોલીસ મહાનિર્દેશક હોવા છતાં આ સ્થિતિ છે, એમ તેમણે ડીજીપી રશ્મિ શુક્લાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.
ગૃહ વિભાગ ‘અજગરની જેમ ગતિહીન’ પડી રહ્યો છે અને સરકારનો વહીવટ પર કોઈ નિયંત્રણ નથી, એમ રાઉતે વધુમાં દાવો કર્યો હતો.



