મહારાષ્ટ્ર

પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી

મુંબઈ: શિવસેના શિંદે જૂથના બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે બે દિવસ પહેલા પોલીસ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. જોકે, હવે ગાયકવાડે પોલીસ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ભારે કિંમત ચૂકવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આની નોંધ લીધા બાદ, સંજય ગાયકવાડ સામે કેસ નોંધવામાં આવ્યો. આ પછી, સંજય ગાયકવાડે હવે મહારાષ્ટ્ર પોલીસની માફી માગી છે અને કહ્યું હતું કે તેમનો હેતુ પોલીસનું મનોબળ તોડી પાડવાનો નહોતો.

શુક્રવારે ગાયકવાડે મહારાષ્ટ્ર પોલીસ વિશે વાંધાજનક નિવેદનો આપ્યા હતા. ગાયકવાડે પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા એવું કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને ભારત સિવાય દુનિયામાં પોલીસ જેટલો બિનકાર્યક્ષમ કોઈ વિભાગ નથી. ત્યારબાદ, મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગાયકવાડના નિવેદનની નોંધ લીધી અને એકનાથ શિંદેને કડક શબ્દોમાં સમજાવવા કહ્યું હતું જેને પગલે હવે સંજય ગાયકવાડે માફી માંગી છે.

આ પણ વાંચો: …તો દફનાવી દઈશઃ ગાયકવાડે ફરી કોંગ્રેસ માટે આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન…

‘મારું નિવેદન મહારાષ્ટ્રના સમગ્ર પોલીસ દળની હિંમત ઓછી કરવા માટે નહોતું, કે તેમની હિંમત અને બહાદુરીનું અપમાન કરવા માટે નહોતું. મેં મને થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા. જો મારા શબ્દોથી મહારાષ્ટ્રના પોલીસ દળ અથવા મહારાષ્ટ્ર સરકારનું કોઈ અપમાન થયું હોય, તો હું મહારાષ્ટ્ર પોલીસની જાહેરમાં માફી માગુ છું. પરંતુ મેં જે પણ નિવેદન આપ્યું છે તેનો મેં અનુભવ કર્યો છે. મારા પરિવાર સાથે પણ આવું જ થયું છે. તેથી જ મેં તે રીતે વાત કરી હતી, એમ સંજય ગાયકવાડે કહ્યું હતું . જોકે, મેં સ્થાનિક પોલીસની ટીકા કરી હતી અને હું તેના પર અડગ છું, એમ સંજય ગાયકવાડે કહ્યું હતું.

‘હું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાત કરીશ. હું ગાયકવાડને કડક સમજૂતી આપવા કહીશ. આવું વારંવાર નહીં થાય. આ યોગ્ય નથી. જોકે, જો તેઓ આ પછી પણ બોલતા રહેશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે,’ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button