આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 78.60 લાખ રૂપિયા પડાવ્યા

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં સિનિયર આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં બે ઠગે નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 78.60 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ફરિયાદી એકનાથ જોશી (77)એ પોલીસને જણાવ્યું હતું કે બીજી જુલાઇએ તેને એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો, જેણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તમારી પત્નીના બૅંક અકાઉન્ટમાં આતંકવાદી સંગઠને 20 લાખ રૂપિયા મોકલ્યા છે.
તેણે એકનાથ જોશીને ધરપકડ કરવાની અને તેની મિલકત સીલ કરવાની ધમકી આપી હતી. તેણે બાદમાં જોશીને કહ્યું હતું કે મારા સિનિયર ટોચના આઇપીએસ ઓફિસર છે, જે તમને બચાવી શકે છે.
દરમિયાન ‘સિનિયર આઇપીએસ ઓફિસરે’ જોશી સાથે વાત કરી હતી અને મદદ કરવાનું વચન આપ્યું હતું, કારણ કે તેઓ મહારાષ્ટ્રીયન હતા.
આરોપીએ ત્યાર બાદ 4 જુલાઇએ જોશીનો સંપર્ક સાધ્યો હતો અને વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જોશીએ પોતાના અને પત્નીના બૅંક અકાઉન્ટમાંથી 78.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ જોશીને એમ પણ કહ્યું હતું કે તેમની તપાસ પૂરી થયા બાદ પૈસા તેમને પાછા મળી જશે.
આપણ વાંચો: મહારાષ્ટ્રની જેલમાં ક્ષમતા કરતા ૧૨,૩૪૩ વધુ કેદીઓ: ફડણવીસ
જોશી દંપતીએ બાદમાં આની જાણ તેમના સંબંધીઓને કરી હતી, જેમણે તેમને પોલીસનો સંપર્ક સાધવાની સલાહ આપી હતી.
જોશીએ આ પ્રકરણે ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે બુધવારે રાતે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)