‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડમાં 1.2 કરોડ ગુમાવ્યાના મહિના બાદ નિવૃત્ત સરકારી અધિકારીનું મૃત્યુ

પુણે: પોલીસ અને સીબીઆઇ અધિકારીના સ્વાંગમાં પુણેના 83 વર્ષના નિવૃત્ત સરકારી અધિકારી અને તેની પત્નીને ‘ડિજિટલ અરેસ્ટ’નો ડર દેખાડીને 1.2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઘટનાથી ઘેરો આઘાત પામેલા નિવૃત્ત અધિકારીનું મહિના બાદ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
પુણેના રહેવાસી એવા નિવૃત્ત અધિકારીને આરોપીઓએ ધમકી આપી હતી કે તેનું નામ નામાંકિત વ્યક્તિઓને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં સામે આવ્યું છે. સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે નિવૃત્ત અધિકારીનું હાર્ટએટેકથી મૃત્યુ થયાના એક સપ્તાહ બાદ તેની પત્નીએ મંગળવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: બૅન્કના નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી નાણાં પડાવનારા બે પકડાયા
ડિજિટલ અરેસ્ટ એ પીડિતોને ભય દેખાડી, દગો કરી અને ધાકધમકી આપીને ખંડણી વસૂલવાની સાયબર ગુનેગારોની પદ્ધતિ છે. કાયદાનો અમલ કરતી ઉચ્ચ સંસ્થાના અધિકારી હોવાનું જણાવીને આરોપીઓ પીડિતોને ધરપકડની બીક બતાવે છે, બૅંક ખાતાં ફ્રીઝ કરવાની ધમકી આપે છે અને જો કાનૂની પગલાં નહીં લેવાય એવું ચાહતા હોય તો દંડ અથવા સિક્યુરિટી ડિપોઝિટને નામે પીડિતને વિવિધ બૅંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે મજબૂત કરવામાં આવે છે.
પુણેના નિવૃત્ત અધિકારીને ઑગસ્ટમાં કૉલ આવ્યો હતો. કૉલ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે આપી હતી. કૉલરે ‘નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ’નો સંદર્ભ આપ્યો હતો અને નિવૃત્ત અધિકારીને કહ્યું હતું કે આ કેસમાં તેની પણ સંડોવણી સામે આવી છે.
આપણ વાંચો: ડિજિટલ અરેસ્ટમાં સૌથી મોટી છેતરપિંડી! મુંબઈના ઉદ્યોગપતિએ ₹58 કરોડ ગુમાવ્યા
બાદમાં નિવૃત્ત અધિકારીને વીડિયો કૉલ કરાયો હતો, જેમાં બે ઠગોએ પોતાની ઓળખ આઇપીએસ ઓફિસર વિજય ખન્ના અને સીબીઆઇના અધિકારી દયા નાયક તરીકે આપી હતી. ‘આ કેસમાં તમારી સંડોવણી હોવાથી તમારી સાથે તમારી પત્નીની પણ ધરપકડ કરવામાં આવશે, એવી તેમણે નિવૃત્ત અધિકારીને ધમકી આપી હતી.
દરમિયાન દંપતીને કલાકો સુધી વીડિયો કૉલ પર રાખવામાં આવ્યું હતું અને તેઓ ડિજિટલ અરેસ્ટ હેઠળ છે, એવું જણાવાયું હતું. બાદમાં તેમના બૅંક ખાતાંની ખરાઇ કરવાને બહાને આરોપીઓએ 16 અને 17 સપ્ટેમ્બર વચ્ચે ઘણાં બધાં અકાઉન્ટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)



