મઠના મુખ્ય સાધુ અને સહાયકનું અધમ કૃત્ય: સગીરાને બનાવી વાસનાનો શિકાર
વારંવાર બળાત્કારથી સગીરા ગર્ભવતી બની: સાધુ અને સહાયક સાથે સગીરાની માસીની પણ ધરપકડ

મુંબઈ: અમરાવતીના એક મઠના મુખ્ય સાધુ અને સહાયકે સગીરાને વાસનાનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. વારંવારના દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બનતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસે સાધુ અને તેના સહાયક સહિત સગીરા પરના જુલમની જાણ હોવા છતાં ચુપકીદી સેવનારી સગીરાની માસીની પણ ધરપકડ કરી હતી.
શિરખેડા પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી મઠના મુખ્ય સાધુ સુરેન્દ્રમુની તળેગાંવકર અને તેના સહાયક બાળાસાહેબ દેસાઈ (40)ની ધરપકડ કરી હતી. આ કેસમાં સગીરાની માસીની પણ ધરપકડ કરવામાં આવી હોઈ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ સગીરા વડીલો સાથે મંગળવારની સાંજે પોલીસ સ્ટેશને પહોંચી હતી. અમરાવતીમાં આવેલા રિદ્ધપુર મઠના મુખ્ય સાધુ અને તેના સહાયક વિરુદ્ધ સગીરાએ ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધી પોલીસ તબીબી તપાસ માટે સગીરાને હૉસ્પિટલે લઈ ગઈ હતી. તબીબી તપાસમાં સગીરા આઠ મહિનાની ગર્ભવતી હોવાનું જણાયું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે સગીરાની માસી અને માસા મઠમાં સેવા આપતાં હતાં અને ત્યાં જ રહેતાં હતાં. છેલ્લા એક વર્ષથી સગીરા પણ મઠમાં રહેતી હતી. બીજી એપ્રિલ, 2024ની રાતે સગીરા સાથે પહેલી વાર દુષ્કર્મ કરાયું હતું.
આ પણ વાંચો : અમરાવતીમાં કાળા જાદુની શંકા પરથી વૃદ્ધાની કરાઇ મારપીટ: પેશાબ પીવા માટે મજબૂર કરી
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સગીરા તેની માસી અને અન્ય છોકરી-મહિલાઓ સાથે મઠમાં સૂતી હતી ત્યારે રાતે 12 વાગ્યાની આસપાસ માસીએ તેને ઊંઘમાંથી જગાડી હતી. માસી જ તેને આરોપી સાધુના રૂમમાં મૂકી ગઈ હતી. માસીના ગયા પછી સાધુએ સગીરા સાથે જબરદસ્તી કરી હતી. વિરોધ કરવા પર તેની મારઝૂડ પણ કરાઈ હતી. સાધુ પછી તેના સહાયકે બાળકી સાથે કુકર્મ આચર્યું હતું.
આ વાતની જાણ સગીરાએ માસીને કરી હતી, પરંતુ માસીએ મદદ કરવાને બદલે તેને જ ધમકાવી હતી અને બનેલી ઘટનાની જાણ કોઈને ન કરવાની ચેતવણી આપી હતી. સગીરાને મઠમાંથી બહાર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. માસીની ચુપકીદીને કારણે આરોપીઓએ વારંવાર સગીરા સાથે દુરાચાર કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ પ્રકરણેે પોલીસે ત્રણેય જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 323 અને 506 તેમ જ પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)