મહારાષ્ટ્રમાં પર્યાવરણના નિયમોનું બેફામ ઉલ્લંઘન: દર બે દિવસે નોંધાય છે આટલા કેસ
મુંબઈ: ભારતમાં ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે તેમ છતાં ઘણા રાજ્યોમાં ગુનાઓના દર વધતા જ જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રમાં 2022માં પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ સૌથી વધુ કેસ એટલે કે દર બે દિવસે એક કેસ નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ડેટામાં 2022માં દેશભરમાં કુલ 559 કેસ નોંધાયા હતા. જ્યારે 2021માં 489 કેસ નોંધાયા હતા. જ્યારે 2023ની આકડાંકીય માહિતી મળી નથી પરંતુ હાલના સમયમાં અદાલતોમાં પેન્ડન્સીની ટકાવારી 47 ટકા કરતા વધારે છે.
ત્યારે આ તમામ કેસમાં મહારાષ્ટ્રમાં કુલ 198 કેસ છે જે તમામ રાજ્યો કરતા સૌથી વધારે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 103 કેસ નોંધાયા હતા અને તેલંગાણામાં નવ કેસ અને ગોવામાં ચાર કેસ નોંધાયા હતા. જ્યારે 2021માં મહારાષ્ટ્રમાં 171 કેસ નોંધાયા હતા અને ગોવામાં ફક્ત બે કેસ નોંધાયા હતા. અત્યારના સમયમાં ધૂળ અને ધુમાડાને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તાના ખૂબ જ ખરાબ થઇ રહી છે. તેના કારણે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB)એ લગભગ 60 મોટા પ્રદૂષિત સ્થાપનો, મુખ્યત્વે રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને ચીમનીવાળા નાના ઔદ્યોગિક એકમો પર પગલાં લીધાં. આ ઉપરાંત જૂના વાહનોને મુંબઈમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપી શહેરીકરણ કરવાની લાલચમાં વૃક્ષોનો આડેધડ વિનાશ કરવામાં આવે છે આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાટમાળ ગમે ત્યાં નાખવામાં આવે છે. તેમજ ગેરકાયદેસર કચરો બાળવો, જળાશયોમાં પ્રદૂષણ ફેલાવવું આ તમામ બાબતોના કારણે પણ પર્યાવરણની સુરક્ષા જળવાતી નથી.
જાણીતા ફાઉન્ડેશનના સીઈઓએ જણાવ્યું હતું કે જો વહીવટીતંત્ર જનભાગીદારી સાથે મળીને મજબૂત અને કાર્યક્ષમ નિયમનકારી પગલાંનું નેટવર્ક બનાવે તો આવા કેસમાં ઘટાડો થશે. આવા કિસ્સાઓ શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઝડપી વિકાસ અથવા પુનઃવિકાસના કાર્યોને કારણે છે. પરંતુ વિકાસ પણ એટલો જ જરૂરી છે એટલે લોકોમાં જાગૃતિ ફેલાવીને કામ કરવામાં આવે તો સારા પરિણામો મળી શકે છે.