Rammandir: મહારાષ્ટ્રના સીએમ, બન્ને ડીસીએમ નહીં જાય મહોત્સવમાં, આ છે કારણ

મુંબઈઃ આવતીકાલે અયોધ્યા ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટિઝ આજથી જ અહીં પહોંચી ગયા છે જ્યારે ઘણા આજે રાત્રે પહોંચશે અથવા વહેલી સવારે પહોંચવાના છે. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ કાર્યક્રમમાં હાજર રહેવાના નથી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બાદ કરતા અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. શિંદે અને પવારને પક્ષના વડા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય વડા તરીકે જે. પી. નડ્ડા જ હાજર રહેશે.
શિંદેએ આ મામલે જણાવ્યું હતું કે તેઓ આવતીકાલના સમારંભમાં હાજરી નહીં આપે. થોડા સમય બાદ કેબિનેટ અને વિધાનસભ્યો અને સાંસદોને લઈ અયોધ્યાના દર્શને જશે. આ ઉપરાંત, પક્ષના વડા તરીકે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપાવમાં આવ્યું છે, પરંતુ તેઓ પણ ભાગ લેવાના ન હોઈ, મહારાષ્ટ્રમાંથી રાજકીય પ્રતિનિધિત્વ કરતા લોકો ઓછા જોવા મળશે.
મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગજગતના માંધાતા અને ફિલ્મજગતની નામી હસતીઓ અયોધ્યા જવા રવાના થઈ ગઈ છે. અભિનેત્રી કંગના રણોટ પહોંચી ગઈ છે જ્યારે અનુપમ ખેરે પણ પોતે ફ્લાઈટમાં હોવાનો વીડિયો શેર કર્યો છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પોતાના પર્સનલ જેટમાં જશે, તેવી માહિતી મળી છે. અક્ષય કુમાર, મધુર ભંડારકર, સોનુ નિગમ, આશા ભોંસલે સહિતના આમંત્રીતો આવતીકાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બાગ લેશે, તેવી માહિતી મળી છે.