Coolieની સફળતા વચ્ચે રજનીકાંતે રડતા અવાજે યાદ કર્યા પોતાના મજૂરીના દિવસો

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી થિયેટરોમાં જબરજસ્ત કમાણી કરી રહી છે અને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી રહી છે, પરંતુ આ સફળતા વચ્ચે, રજનીકાંતે તેના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરીને એક વાત કરી જેણે ચાહકોને ભાવુક કરી દીધા. પોતે રિયલ લાઈફમાં કુલી હતા તે દિવસો યાદ કરી સુપરસ્ટાર પોતે પણ ઈમોશનલ થઈ ગયો હતો.
ઘણા ઓછાને ખબર હશે કે રજનીકાંત મહારાષ્ટ્રીયન પરિવારમાં જનમ્યો છે. રજનીકાંતનો જન્મ શિવાજી રાવ ગાયકવાડ તરીકે થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ પિતા અને ગૃહિણી માતાના પુત્ર, રજનીકાંતને બાળપણથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માતાના મૃત્યુ પછી, તેમણે આશ્રમશાળામાં રહીને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. પરંતુ ઘરની હાલત જોઈને તેમને મજૂરી પણ કરવી પડી. તેમણે થોડો સમય બસ કંડક્ટર તરીકે અને પછી કુલી તરીકે કામ કર્યું હતું.
આ પણ વાંચો: 74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ
રજનીકાંતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મારા પિતાએ મને ગુણીઓ ઉપાડવાનું કહ્યું. મેં હાથગાડી પર ત્રણ ગુણી મૂકી અને ચાલવા લાગ્યો. જે અંતર 500 મીટરનું હતું તે ટ્રાફિક ડાયવર્ઝનને કારણે 1.5 કિલોમીટર લાંબુ થઈ ગયું. બોરીઓનું સંતુલન કરવું ખૂબ મુશ્કેલ હતું. એકવાર સંતુલન ખોરવાઈ ગયું અને બોરીઓ નીચે પડી ગઈ અને ચારે તરફથી લોકો બૂમો પાડવા લાગ્યા હતા. તેમણે આગળ કહ્યું, જ્યારે કામ પૂરું થયું, ત્યારે તેમણે પૈસા માંગ્યા. તે માણસે મને ફક્ત 2 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ ટિપ છે. મેં અવાજ ઓળખી લીધો. તે મારો કોલેજનો મિત્ર હતો, જેને હું ઘણીવાર ચીડવતો હતો. તેણે મને ટોણો માર્યો અને કહ્યું જો તું ક્યાં પહોંચી ગયો છે! પછી હું તે ગુણીઓ પર માથું રાખીને મારા જીવનમાં પહેલી વાર રડ્યો હતો.
આ પણ વાંચો: બોક્સ ઓફિસ કલેક્શનઃ કુલી અને વૉર-2 બન્નેને રજાઓનો મળશે ફાયદો
લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત, કુલી ફિલ્મમાં રજનીકાંત, નાગાર્જુન, શ્રુતિ હાસન અને ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં આમિર ખાનનો પણ નાનકડો રોલ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં 194 કરોડ અને વિશ્વભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. સંઘર્ષની શરૂઆત કુલીથી થઇ હતી અને આજે રજનીકાંત આ જ પાત્ર સાથે બોક્સ ઓફિસ પર 74 વર્ષની ઉંમરે ધાક જમાવી રહ્યા છે.