…તો એક પણ પ્રચાર સભા નહીં થવા દઉં : કાફલા પર હુમલા બાદ વિફરેલા રાજ ઠાકરેનો હુંકાર
ઉદ્ધવ અને શરદ પવારને રાજ ઠાકરેની ચીમકી
મુંબઈ: હાલમાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેનો કાફલો બીડમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર સોપારીઓ ફેંકીને ‘સોપારીબાજ’ના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ શનિવારે રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર તેમણે નિશાન સાધ્યું હતું.
રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષોને પોતાની સાથે આડોડાઇ ન કરવાની ચેતવણી આપી હતી તેમ જ મરાઠા અનામત મુદ્દે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મરાઠા અનામત બાબતે આપેલા નિવેદન બાદ તે મરાઠા અનામતની વિરુદ્ધ હોવાનું માનીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ખરાબ રસ્તા બનાવનાર કૉન્ટ્રેક્ટર પાસે જ નવેસરથી રોડ બનાવશે ને બમણો દંડ કરાશે
રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 2006માં મેં મારા પક્ષની સ્થાપના કરી ત્યારથી આજ સુધી અમારી ભૂમિકા એક જ રહી છે. અનામત આપવું હોય તો આર્થિક ધોરણે આપવું જોઇએ. તેને ધ્યાનમાં રાખીને મારું કહેવું ચે કે મહારાષ્ટ્રને અનામતની જરૂર નથી. મહારાષ્ટ્ર દેશના અન્ય રાજ્યો જેવું નથી. અહીં બધી જ જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે અને બહારના રાજ્યના લોકોને અહીં બધુ જ મળે છે. જ્યારે અહીંના યુવાનો-યુવતીઓને એ વસ્તુ નથી મળતી. પૈસાનું વ્યવસ્થિત નિયોજન કર્યું તો અનામતનો કોઇ જરૂર નથી.
શરદ પવાર પર નિશાન સાધતા રાજે જણાવ્યું હતું કે શરદ પવારે વર્ષો સુધી પોતાની જાતિ બદલ પ્રેમ દાખવ્યો છે, પરંતુ અન્યોની જાતિ માટે દ્વેષ નિમા4ણ કર્યો છે. શરદ પવારે રાષ્ટ્રવાદી કૉંગેસની સ્થાપના કરી ત્યારથી જ આમ જ કર્યું છે. તે બે સમાજ વચ્ચે શા માટે તિરાડ ઊભી કરે છે?
આ પણ વાંચો : Lok Sabha Session: ગાઝા પે બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ ચુપ ક્યુંઃ અનુરાગ ઠાકુરે કોને કર્યો સવાલ?
પોતાના કાફલા પર થયેલા હુમલા વિશે રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મારા પ્રવાસ વખતે લોકોએ અડચણો લાવવાનો પ્રયાસ કર્યો. જો મારો જુવાળ રસ્તા પર ઉતર્યો તો ચૂંટણી વખતે એક પણ સભા યોજવાનું મુશ્કેલ થઇ જશે એટલે તેમણે મારા રસ્તામાં ન આવવું. મારી આડે ન ઉતરવું. સમાજ વચ્ચે ભેદ ઊભો કરી ઝેર ઘોળવું એ જ તેમના રાજકારણનું મૂળ છે.
ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે છેલ્લાં પાંચ વર્ષ ભાજપ સાથે કેન્દ્રમાં સત્તામાં હતા ત્યારે તેમણે મરાઠા અનામત માટે કેમ કંઇ ન કર્યું? વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે તે શરદ પવારની આંગળી પકડી રાજકારણમાં પ્રવેશ્યા તો શરદ પવારે કેમ મોદીના કાનમાં મરાઠા અનામતની વાત ન નાંખી? પવાર કહે છે કે મહારાષ્ટ્રનું મણિપુર બનશે. આમ કહી જાતિઓમાં વેર ઊભું કરવામાં આવે છે. ભાઇ-બહેનોને મારી વિનંતી છે કે આ લોકોના રવાડે ન ચઢવું. ચૂંટણી આવશે અને જશે, પરંતુ આવા જખમો રૂઝાતા નથી.