રાજ ઠાકરેને મોટો દિલાસો: પ્રતિબંધનો હૂકમ તોડ્યાનો ગુનો રદ: હાઇકોર્ટનો આદેશ

મુંબઇ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને મુંબઇ હાઇકોર્ટ તરફથી મોટો દિલાસો મળ્યો છે. રાજ ઠાકરેની અરજી માન્ય રાખી કલ્યાણ પોલીસે તેમની પર દાખલ કરેલ ગુનો રદ કર્યો છે. 2010માં પોલીસે પ્રતિબંધનો હૂકમ બજાવ્યો હોવા છતાં કલ્યાણમાં પ્રવેશ કર્યો હોવા બદ્દલ રાજ ઠાકરે પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
2010માં કલ્યાણ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે 29મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યા બાદ રોકાવું નહીં અને શહેરમાં ક્યાંય રહેવું નહીં, ક્યાંક બેઠકો યોજવી નહીં એવો હૂકમ ફરમાવ્યો હતો. આ હૂકમ પોલીસ આસિસ્ટન્ટ કમીશનરે બજાવ્યો હતો. આ હૂકમ તોડ્યો હોવાથી પોલીસે રાજ ઠાકરેને નોટીસ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે રાજ ઠાકરેએ સ્વીકારી નહતી. તેથી પોલીસે રાજ ઠાકરે જ્યાં હતાં ત્યાં એ નોટીસ ચોટાડી હતી.
આ ઘટના બાદ પોલીસે કલ્યાણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એ ચાર્જશીટની દખલ લઇને કોર્ટે સમન્સ આપતાં ફેબ્રુઆરી 2011માં રાજ ઠાકરેએ કોર્ટમાં હાજર થઇ જામીન મેળવી હતી. ત્યાર બાદ આ ગુનો અને કેસ રદ કરવા માટે રાજ ઠાકરેએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ કેસની સૂનવણીના અંતમાં ન્યાયમૂર્તી અજય ગડકરી અને ન્યાયમૂર્તી શર્મિલા દેશમૂખે 13મી ઓક્ટોબરના રોજ નિર્ણય હોલ્ડ પર રાખ્યો હતો. જે આજે જાહેર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના આદેશ મુજબ કલ્યાણ પોલીસે રાજ ઠાકરે પરનો ગુનો રદ કર્યો છે. ત્યારે હવે આ નિર્ણય બાદ રાજ ઠાકરેને મોટો દિલાસો મળ્યો છે.