રાજ ઠાકરે-ફડણવીસની મુલાકાત પછી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધન ખતમ?
બેસ્ટ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં નોંધપાત્ર હાર બાદ ગુરુવારે રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની મુલાકાત લીધી હોવાથી રાજકીય અફવાઓ જોરમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની મુલાકાતે પ્રાદેશિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, બેસ્ટ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઠાકરે બ્રાન્ડ નિષ્ફળ ગયાના એક દિવસ પછી, બંને પક્ષો વચ્ચે સંભવિત સહયોગની અટકળો શરૂ થઈ છે. જોકે, મનસેના વડાએ એવી સ્પષ્ટતા કરી કે આ બેઠક ફક્ત નગર આયોજન અને ટ્રાફિક ભીડ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે હતી.
બેસ્ટ એમ્પ્લોયીઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં કડવી હારનો સ્વાદ ચાખ્યાના એક દિવસ પછી, મનસેના નેતા રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો પર જોવા મળ્યા હતા, જેનાથી ઠાકરે બંધુઓ વચ્ચે રાજકીય વિખવાદની અફવાઓ ફેલાઈ હતી. રાજ ઠાકરેની મહાયુતિના નેતા સાથેની મુલાકાતથી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધનની સંભાવનાઓ અંગે શંકા ઉપસ્થિત થઈ રહી છે અને એવી અફવાઓ પણ જોર પકડી રહી છે કે ટૂંકા ગાળાના સમાધાનનો હવે અંત આવી શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ફડણવીસ-રાજ ઠાકરેની બેઠક, અજિત પવારે આપ્યું મોટું નિવેદન
જોકે તેમની વચ્ચે બંધબારણે યોજાયેલી બેઠકમાં શું વાતો થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ ફડણવીસ સાથે રાજ ઠાકરેની મુલાકાત દોઢ કલાકથી વધુ ચાલી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મનસે નેતા બાળા નંદગાંવકર પણ રાજ ઠાકરે સાથે હતા.
બેસ્ટની ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં બંને ઠાકરે બંધુઓ દ્વારા સંયુક્ત રીતે ઉભી કરેલી પેનલ એક પણ બેઠક જીતી શકી નહોતી. ઉદ્ધવ ઠાકરેની ઉત્કર્ષ પેનલ અને રાજ ઠાકરેના ગઠબંધનને ચૂંટણીમાં ભાજપની પેનલના હાથે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો, જેને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ‘ઠાકરે બ્રાન્ડ’ માટે એક અગ્નિપરીક્ષા માનવામાં આવતી હતી.
રાજે બાદમાં આ મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ મુંબઈની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મુખ્ય પ્રધાનને મળ્યા હતા. તેમણે ફડણવીસને કટોકટીનો ઉકેલ લાવવા માટે એક યોજના આપી હોવાનું જણાવતા કહ્યું હતું કે, રાજ ઠાકરેએ કહ્યું કે આ બેઠક રાજકીય નહોતી પરંતુ નગર આયોજન અને ટ્રાફિક સમસ્યાઓને ઉકેલવા માટે હતી, ખાસ કરીને ગ્રેટર મુંબઈમાં 400 મીમી વરસાદ બાદ.
‘મેં અને મારા સાથીઓએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. વિષય મુંબઈ સહિત રાજ્યના તમામ શહેરોમાં ઉભી થયેલી ટ્રાફિક સમસ્યા અને અમે સૂચવેલા કેટલાક ઉકેલોનો હતો. શહેરો વિસ્તરી રહ્યા છે, નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, અને શહેરોમાં લોકોનો ધસારો અટકતો નથી. તે ઉપરાંત, વાહનોની સંખ્યા વધી રહી છે, પરંતુ આપણી પાસે પૂરતા રસ્તા કે પાર્કિંગની જગ્યાઓ નથી, એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
આ પણ વાંચો: રાજ ઠાકરેનો જૂના સાથીદારોને પોતાની સાથે લેવાનો આદેશ
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘આપણે કબૂતર અને હાથી જેવા મુદ્દાઓ પર અટવાયેલા છીએ, પરંતુ પાર્કિંગ જેવી સમસ્યાઓ પર ધ્યાન આપી રહ્યા નથી. ટ્રાફિક જામ એ સૌથી ગંભીર મુદ્દો છે, અને આ બધાને ખુલ્લી આંખે જોવાની અને લાંબા ગાળાના ઉકેલો અમલમાં મૂકવાની જરૂર છે. તે ઉકેલો શું હોવા જોઈએ? આમાં જનભાગીદારી પણ જરૂરી છે, પરંતુ જો લોકો પોતે ટ્રાફિક અને પાર્કિંગના નિયમો તોડે તો શું? કડક કાર્યવાહી કરવી જોઈએ.’
મનસેના વડાએ એમ પણ કહ્યું કે તેમણે આ બધા અંગે સરકારને કેટલાક સૂચનો કર્યા હતા અને ફડણવીસે તેનો સકારાત્મક જવાબ આપ્યો હતો.
જોકે, તેમની મુલાકાતના સમયને કારણે લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે. આ પહેલી વાર નથી કે રાજ ફડણવીસ સાથે મુલાકાત કરી રહ્યા છે. અગાઉ, હિન્દીને ફરજિયાત બનાવવા સામે રેલી કાઢતા પહેલા, રાજ ઠાકરેએ ફડણવીસ સાથે ફાઇવ સ્ટાર હોટેલમાં ગુપ્ત મુલાકાત કરી હતી. આ મુલાકાત ચર્ચામાં રહી હતી, પરંતુ મનસે નેતાએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનને મળ્યા હતા.
આ પણ વાંચો: શું રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધશે?
શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવ્યો બચાવ
જોકે, ઉદ્ધવ જૂથ અફવાઓને દૂર કરવા માટે પોતાની રીતે આગળ વધી રહ્યું છે. શિવસેના યુબીટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસને તેમના ઘરે ગણપતિ માટે આમંત્રણ આપવા ગયા હશે.
રાજ ઠાકરે રાજ્યના કોઈ મુદ્દા પર દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરવા માંગતા હશે. રાજ ઠાકરે મુંબઈની દયનીય પરિસ્થિતિ વિશે મુખ્ય પ્રધાન સાથે વાત કરવા માંગતા હશે. મહારાષ્ટ્રના રાજકારણમાં, વિપક્ષી પક્ષના નેતાઓ મુખ્ય પ્રધાનને મળે છે. રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ મળ્યા છે. આજની બેઠકનો હેતુ ફક્ત રાજ ઠાકરે જ કહી શકે છે. રાજ ઠાકરેના સ્વભાવને જોતાં, મને લાગે છે કે તેઓ આ બેઠક વિશે સ્પષ્ટ અને નિશ્ચિતપણે વાત કરશે. રાજ્યના મુખ્ય પ્રધાનને મળવું એ રાજકીય ગુનો નથી. જો ઉદ્ધવ ઠાકરે કે મારું કોઈ કામ હોય, તો અમે પણ મુખ્ય પ્રધાનને મળીએ છીએ, એમ રાઉતે કહ્યું હતું, અને ઉમેર્યું હતું કે બેસ્ટની ચૂંટણીને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. તે ક્રેડિટ સોસાયટી માટેની ચૂંટણી હતી. તેની ચર્ચા અને મહત્વ બેસ્ટ ડેપો સુધી મર્યાદિત છે, એમ પણ સંજય રાઉતે કહ્યું હતું.
અજીત પવારે રાજ ઠાકરે-દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતને હળવાશથી લીધી
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની મુલાકાતને હળવાશથી લીધી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં વાતચીત જાળવી રાખવી એ પણ એક પરંપરા છે.
વર્ધામાં પત્રકારો સાથે વાત કરતા અજિત પવારે કહ્યું હતું કે, ‘ઘણા નેતાઓ એકબીજાને તેમજ મુખ્ય પ્રધાનને પણ મળે છે, પછી ભલે તેઓ સત્તામાં હોય કે ન હોય. એકબીજા સાથે વાતચીત જાળવી રાખવી એ રાજ્યની પરંપરા છે. આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણ આપવાની કોઈ જરૂર નથી.’
રાજ ઠાકરે અને ફડણવીસ ટાઈમિંગ સાધવામાં ઉસ્તાદ છે: શિંદે સેના
મુંબઈ: રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ટાઈમિંગ સાધવામાં ઉસ્તાદ છે. આ મુલાકાતમાં શું ચર્ચા થઈ તે વાત બંને જ જણાવી શકશે, પરંતુ રાજ ઠાકરે મહાયુતિમાં આવે એવી અમારી ઈચ્છા છે, એમ શિંદે સેનાના મુખ્ય નેતા અને રાજ્યના પ્રધાન ઉદય સામંતે ગુરુવારે જણાવ્યું હતું.
સાડા-ત્રણ મહિનામાં ચોથી મુલાકાત: કશું રંધાઈ રહ્યું છે?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે સાડા-ત્રણ મહિનાની અંદર આ ચોથી મુલાકાત થઈ છે અને તેથી એવી શંકા ઉપસ્થિત કરવામાં આવી રહી છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં કશી મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. એમાંય ખાસ કરીને ‘ઠાકરે બ્રાન્ડ’ અગ્નિપરીક્ષામાં નાપાસ થયા પછીની મુલાકાતનું મહત્ત્વ વધી જાય છે.
2025ના વર્ષમાં રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ પહેલી વખત સાતમી મેના રોજ મળ્યા હતા અને આ મુલાકાત અત્યંત ખાનગી રાખવામાં આવી હતી. સવારે સાડાદસ વાગ્યે રાજ ઠાકરે ફડણવીસના બંગલે પહોંચ્યા હતા. આ મુલાકાતની માહિતી બીજા દિવસે એટલે કે આઠમી મેના રોજ બહાર આવી હતી.
ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે રાજ ઠાકરેના નિવાસસ્થાને એટલે કે શિવતીર્થમાં મુલાકાત થઈ હતી. ફડણવીસ પોતે રાજ ઠાકરેના ઘરે ગયા હતા. ફડણવીસે ત્યારે એવું કારણ આપ્યું હતું કે આ ફક્ત શુભેચ્છા મુલાકાત હતી અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો નહીં.
બારમી જૂનના રોજ રાજ ઠાકરે અને ફડણવીસની મુલાકાત બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર આવેલી તાજ લેન્ડસ એન્ડ હોટેલમાં થઈ હતી. આ ફાઈવ સ્ટાર હોટલમાં બંને વચ્ચે શું ચર્ચા થઈ હતી તે હજી સુધી કોઈએ જાહેર કર્યું નથી. આ મુલાકાત પછી રાજ્યમાં હિન્દીમાં શિક્ષણનો વિરોધ ચાલુ થયો હતો અને પાંચમી જુલાઈના રોજ બંને ઠાકરે બંધુઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
ગુરુવારે એકવીસમી જુલાઈના રોજ રાજ ઠાકરે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા બંગલો પર સવારે મળવા પહોંચી ગયા હતા અને આ મુલાકાત ટ્રાફિકના મુદ્દે હતી એવો ખુલાસો કર્યો હતો. આ મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી.
વાસ્તવમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે બ્રાન્ડનો પ્રયોગ બેસ્ટની ક્રેડિટ સોસાયટીમાં નિષ્ફળ ગયા બાદ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજ ઠાકરે કદાચ ભાજપની સાથે આવવાનો વિચાર કરી શકે છે.