રાયગડમાં એસયુવી 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી: પિકનિક જવા નીકળેલા પાંચ યુવકનાં મોત

ડ્રોનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને શોધી કઢાયું
મુંબઈ: રાયગડ જિલ્લાના તામ્હિણી ઘાટ પર એસયુવી (સ્પોર્ટસ યુટિલિટી વેહિકલ) 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં પાંચ યુવકનાં મોત થયાં હતા. પુણેના યુવકો પિકનિક જવા માટે સોમવારે સાંજે નીકળ્યા હતા અને મંગળવારે વહેલી સવારે તેમને અકસ્માત નડ્યો હતો. પોલીસે ડ્રોનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને શોધી કાઢ્યું હતું અને બાદમાં પોલીસની રેસ્ક્યુ ટીમે સ્થાનિકો સાથે મળી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ સાહિલ ગોઠે (24), શિવા માને (20), પ્રથમ ચવાણ (23), ઓમકાર કોળી (20), પુનિત શેટ્ટી (21) અને શ્રી કોળી (19) તરીકે થઇ હતી, જેઓ પુણેના હવેલી તાલુકાના કોંડવે ધાવડે ગામના રહેવાસી હતા.
પ્રાપ્ત માહિતી મુજબ 20 દિવસ અગાઉ ફરવા ગયેલા યુવકોમાંથી એક જણે નવી થાર એસયુવી ખરીદી હતી. આથી યુવક તેના મિત્રો સાથે સોમવારે સાંજે એસયુવીમાં કોંકણ ફરવા માટે નીકળ્યો હતો. જોકે તામ્હિણી ઘાટ પર મંગળવારે વહેલી સવારે ચાલકે કાબૂ ગુમાવતાં એસયુવી 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ પણ વાંચો: નેપાળના કરનાલીમાં જીપ 700 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત 10 ઘાયલ…
પિકનિક જવા નીકળેલા યુવકોમાંના અમુકનો મંગળવાર સવારથી સંપર્ક થતો ન હોવાથી ચિંતિત વાલીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે યુવકોના મોબાઇલ નંબર લીધા બાદ તેમને ટ્રેસ કર્યા હતા ત્યારે લોકેશન તામ્હિણી ઘાટ હોવાનું જણાયું હતું. આથી માણગાંવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રસ્તાના વળાંક પર તૂટેલી રેલિંગ પર પોલીસ ટીમની નજર પડી હતી, જેને પગલે ડ્રોનની મદદથી ખીણમાં શોધ ચલાવવામાં આવતાં એસયુવી નજરે પડી હતી, જે ખીણમાં ઝાડ પર ફસાયેલી હતી. દરમિયાન રાયગડ પોલીસની રેસ્ક્યુ ટીમે સ્થાનિક સ્વયંસેવકોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરી ગુરુવારે બપોરે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતકોને બાદમાં ઓળખી કાઢવામાં આવ્યા હતા. મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.



